છૂટક બજારમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયે કિલો થવાની શક્યતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 13:02:46
  • Views : 373
  • Modified Date : 2019-11-04 13:02:46

વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકશાન થયું હોવાથી માલની અછત વચ્ચે આગામી સમયમાં છૂટક માર્કેટમાં ડુંગળીના ભાવ ૧૦૦ રૂપિયે કિલો થઇ જવાની શક્યતા હોવાનું નિષ્ણાતો અનુમાન કરી રહ્યા છે. વરસાદથી મહારાષ્ટ્રમાં લગભગ ૬૫ ટકા ડુંગળીનો પાક નાશ પામ્યો છે. કર્ણાટક અને ગુજરાતમાં પણ મોટાપાયે પાક નુકશાની થતા  ડુંગળી પકવતા ખેડૂતોને ભારે આર્શિક નુકશાની વેઠવી પડી છે. હાલમાં ફક્ત રાજસ્થાનના અલવરમાંથી ડુંગળીની આવકો ચાલુ છે. આગામી ૩ માસ સુધી અન્ય કોઇ રાજ્યમાંથી ડુંગળીની આવક થવાની શક્યતા લગભગ નહિંવત હોવાથી ડુંગળીના ભાવમાં ફરી પાછો  વધારો  જોવા મળશે.મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાંથી હાલમાં ડુંગળીની આવકો શરૂ થઇ જતી હોય છે. પરંતુ વરસાદના લીધે માલને ભારે નુકશાન પહોંચવા ઉપરાંત તેની ગુણવત્તા ઘટી જતા ખેડૂતોની માઠી દશા બેઠી ગઇ છે. સામાન્ય રીતે  પાંચ વિઘે ૧,૫૦૦ મણ ઉતારો હોય તેના બદલે હાલમાં ૧૫૦ થી ૨૦૦ મણનો ઉતારો થઇ રહ્યો હોવાનું ખેડૂતોનું કહેવું છે. આ સ્થિતિમાં ખેડૂતોની વર્ષ દરમિયાનની મહેનત અને વાવેતર પાછળ કરેલો ધરખમ ખર્ચો માથે પડતા ખેડૂતો લાચારીની અવસ્થામાં મૂકાઇ ગયા છે.જુની  ડુંગળીનો માલ  હવે લગભગ પુરો થવા આવ્યો છે. તેવામાં નવા માલની આવકો પાક નુકશાનીના કારણે ઘટી જતા ડુંગળીના ભાવ આસમાને પહોંચશે.  મહુવા એપીએમસીમાં હાલમાં જુની ડુંગળીનો સ્ટોક માત્ર ૩૦,૦૦૦ થેલી હોવાનું જાણવા મળે છે. જેમાંથી ૧૦,૦૦૦ થેલી તો બિયારણમાં જતો રહેશે. આમ આગામી ૩ મહિના ફક્ત રાજસ્થાનના અલવરમાંથી આવતી ડુંગળી પર જ મદાર રાખવો પડશે. બેંગલુરૂની નવી ડુંગળીનો હોલસેલમાં ૧ કિલોએ ભાવ હાલમાં ૪૦ થી ૫૦ રૂપિયા ચાલી રહ્યો છે. જ્યારે મહારાષ્ટ્રની જુની ડુંગળીનો ભાવ ૫૦ થી ૫૫ ચાલી રહ્યો છે.  દિલ્હીમાં હાલમાં હોલસેલમાં ૧ કિલો ડુંગળી ૫૦ થી ૬૦ રૂપિયે વેચાઇ રહી છે.પાક નુકશાનીના કારણે ડુંગળીની આવકો ન હોવાથી આગામી સમયમાં ભાવમાં ધરખમ વધારો થવાની શક્યતા છે. નોંધપાત્ર છેકે ગત વર્ષે આ સમયગાળામાં  ભારે ઉત્પાદનના કારણે ગુજરાત, મહારાષ્ટ્રમાં બે, ત્રણ રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચાતી હતી. ત્યારે પણ ખેડૂતોએ રોવાનો વારો આવ્યો હતો.  હવે આ વર્ષે  વરસાદના કારણે ડુંગળીના પાકમાં ૭૦ ટકા સુધીનું નુકશાન થયું હોવાથી ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા સર્વે કરવીને ખેડૂતોને પુરતી સહાય આપવામા ંઆવે તેવી માંગણી ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News