હવે લર્નિંગ લાઇસન્સ રૂપિયા 150 ભરી રિન્યૂ કરાવી શકાશે, કમ્પ્યૂટર ટેસ્ટ નહીં આપવી પડે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 11:44:31
  • Views : 398
  • Modified Date : 2020-10-01 11:44:31

   સરકારે રાજ્યના લાખો વાહનચાલકોને રાહત આપતો નિર્ણય કર્યો છે. હવે લર્નિંગ લાઇસન્સ પણ માત્ર રૂ. 150 ભરી રિન્યૂ કરી શકાશે. અત્યાર સુધી દરેક વાહનચાલકને લર્નિંગ લાઇસન્સ એક્સપાયર થાય તો નવેસરથી તમામ પ્રક્રિયા કરવી પડતી હતી અને ફી પણ ફરીથી ભરવી પડતી હતી. માત્ર બાઈકનું લર્નિંગ એક્સપાયર થાય તો નવેસરથી રૂ. 950 ભરી નવું લર્નિંગ લાઇસન્સ કમ્પ્યૂટર ટેસ્ટ આપી નીકળતું હતું અને ટુ વ્હિલર-ફોર વ્હિલર બંનેનું કઢાવવું હોય તો રૂ. 1150 ભરવા પડતા હતા, પરંતુ હવે દરેક વાહનચાલકનું લર્નિંગ લાઇસન્સ એક્સપાયર થાય તો માત્ર રૂપિયા 150 ભરીને રિન્યૂ કરાવી શકશે. તેને ફરીથી કમ્પ્યૂટર ટેસ્ટ કે વધારાની કોઈ ફી પણ નહીં ભરવી પડે.

લર્નિંગ લાઇસન્સ વખતે જ ફરજિયાત ભરાવાતી પાકા લાઇસન્સ ટેસ્ટ અને સ્માર્ટ કાર્ડની ફી લર્નિંગ લાઇસન્સ પૂરું થતાં સરકાર દ્વારા પરત નહીં કરી કરોડોની ઉઘાડી લૂંટ કરાતી હતી, જે હવેથી બંધ થશે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા લર્નિંગ લાઇસન્સ અને ફીના નિયમમાં ફેરફાર કરાયો છે. લર્નિંગ લાઇસન્સ 6 મહિના બાદ અેક્સપાયર થઈ જાય તો હવેથી ઉમેદવારે ફરી કમ્પ્યૂટર ટેસ્ટ આપવો નહીં પડે.પોતાના જૂના લર્નિંગ લાઇસન્સનો સંદર્ભ પરિવહનના સોફ્ટવેરમાં સાંકળી આરટીઓ કચેરીમાં ડોક્યુમેન્ટ વેરિફાઈ કરાવીને ફરી લર્નિંગ લાઇસન્સ મેળવી શકાશે, જેના પગલે ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપવામાં વારંવાર નાપાસ થતા ઉમેદવારોને લર્નિંગ લાઇસન્સના કમ્પ્યૂટર ટેસ્ટની ઝંઝટમાંથી છુટકારો મળશે જેના કારણે અરજદારોનો સમય બચશે તેમજ આઇટીઆઇ ખાતે ભારણ ઓછું થશે.

Download Our B K News Today App



Related News