મમતા બેનરજીએ નંદીગ્રામ સીટથી ઉમેદવારી નોંધાવી, આ પહેલાં રોડ શો અને શિવ જળાભિષેક કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 15:02:14
  • Views : 247
  • Modified Date : 2021-03-10 15:02:14

    પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે બપોરે નંદીગ્રામ સીટ પરથી તેમની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પહેલાં પોતાની તાકાત દર્શાવવા તેમણે હલ્દિયામાં એક કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. જેમાં TMCના હજારો કાર્યકરો હાજર રહ્યા હતા. આ પહેલાં મમતાએ નંદીગ્રામના એક શિવ મંદિરની પૂજા પણ કરી હતી. અહીં તેમણે ભગવાન શિવને જળાભિષેક કર્યો હતો.

    આ પહેલાં મંગળવારે મમતાએ નંદીગ્રામમાં તેમના પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે, નંદીગ્રામ અથવા સિંગુરથી ચૂંટણી લડવાનું તેમણે બહુ પહેલાં જ નક્કી કરી લીધુ હતું. ભાજપના હિન્દુ કાર્ડ પર હુમલો કરતાં તેમણે કહ્યું કે, મારી સાથે હિન્દુ કાર્ડ ના રમો, હું પણ હિન્દુ છું અને ઘરેથી ચંડીપાઢ કરીને નીકળું છું. જ્યારે કેન્દ્રીય મંત્રી ગિરિપાજ સિંહે મમતા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, બંગાળમાં રોહિંગ્યાની સાથે સાથે મમતા દીદી પણ નર્વસ છે. હવે તેમને ખબર નથી પડતી કે મંદિર જવું કે મસ્જિદ.મમતાએ કહ્યું હતું કે, જો નંદીગ્રામની જનતા ના પાડશે તો હું અહીંથી ચૂંટણી નહી લડું. અહીં ભાગલા પાડોનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ તમારે આ લોકોની વાતો પર ધ્યાન ના આપવું જોઈએ. મમતાએ અહીં સ્ટેજ પર જ ચંડીપાઠ કર્યા હતા.

    કોંગ્રેસ નેતા અધીર રંજને મમતા બેનરજી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, મમતા બેનરજી BJPથી ડરી ગયા છે. તેમણે પહેલીવાર પોતાને બ્રાહ્મણ સાબીત કરવા પડે છે. પહેલાં દીદી કહેતા હતા કે હું મુસ્લિમોની રક્ષા કરુ છું, હિજાબ પહેરું છું. પરંતુ હવે તેમનું વર્તન બદલાઈ ગયું છે. આજકાલ તેઓ ચંડીપાઠ કરવા લાગ્યા છે. ચૌધરીએ કહ્યું કે, બંગાળ ચૂંટણીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ પ્રચાર કરશે.

    વિધાનસભા ચૂંટણીમાં મમતાનો સામનો એક સમયે તેમના ખાસ રહેલા શુભેંદુ અધિકારી સાથે છે. શુભેંદુ તૃણમુલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. શુભેંદુ 12 માર્ચે તેમનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આ પહેલાં તેમણે નંદીગ્રામમાં તેમના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે.પશ્ચિમ બંગાળની કુલ 294 વિધાનસભા સીટ માટે 8 તબક્કામાં મતદાન થવાનું છે. 294 સીટ વાળી વિધાનસભા માટે મતદાન 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26, એપ્રિલ, 29 એપ્રિલે થવાનું છે. મતગણતરી 2મેના રોજ છે.


Download Our B K News Today App



Related News