નીતીશ સમર્થન આપીને તેજસ્વીને સીએમ બનાવે, બદલામાં વિપક્ષ 2024માં PM પદ માટે નીતીશનું સમર્થન કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 15:08:39
  • Views : 420
  • Modified Date : 2020-12-29 15:08:39

    બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચે ચાલી રહેલી પાવર વોરમાં હવે આરજેડીએ સીએમ નીતીશ કુમાર સામે પાસો ફેંક્યો છે. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને આરજેડીના સીનિયર નેતા ઉદય નારાયણ ચૌધરીએ કહ્યું કે, નીતીશ જો તેજસ્વીને સમર્થન આપીને મુખ્યમંત્રી બનાવી દે તો વિપક્ષ તેમને 2024માં વડાપ્રધાન પદ માટે સમર્થન આપી શકે છે. તેમણે આ વાત રાંચીમાં કહી છે.

    આ પ્રસ્તાવ આપીને આરજેડીએ એક તીરથી બે નિશાન માર્યા છે. તેઓ નીતીશની આગેવાનીમાં ભાજપને કેન્દ્રમાં રોકી શકશે અને બિહારનું શાસન પણ મેળવી શકશે. નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવે પહેલાં જ આ કહી દીધું છે કે બિહારમાં વચગાળાની ચૂંટણી થશે. જ્યારે કોંગ્રેસ સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું છે કે, ભાજપ તરફથી કરવામાં આવતી બેઈજ્જતી પછી નીતીશ કુમારે રાજીનામું આપી દેવું જોઈએ. તેઓ પહેલાં નિર્ણય લેતા હતા પરંતુ હવે નથી લઈ શકતાં. અરુણાચલમાં જેડીયુના 6 ધારાસભ્યોને ભાજપે પોતાનામાં સામેલ કરી દીધા છે. તે પછી પણ તેઓ કશુ નથી કરી રહ્યા, નીતીશ કુમારની અંતર આત્મા જાગશે તો તેઓ ખુદ પાર્ટી છોડશે.

    એક સમય હતો જ્યારે નીતીશને વડાપ્રધાન પદના મોટા દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ આ રેસમાં નરેન્દ્ર મોદીએ તેમને હરાવી દીધા. ભાજપ નેતા સુશીલ મોદીએ ઘણાં સમય પહેલાં જ નિવેદન આપ્યું હતું કે, નીતીશ પીએમ મટીરિયલ છે. તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશમાં ભાજપે જેડીયુના છ ધારાસભ્યોનો પોતાની ટીમમાં સમાવેશ કરી દીધો છે. આ વિશે જેડીયુએ બદલાની કાર્યવાહી કરીને નિર્ણય કર્યો હતો કે તેઓ અન્ય રાજ્યમાં પોતાના દમ પર ચૂંટણી લડશે.
નીતીશે એવું પણ કહ્યું છે કે, તેઓ નથી ઈચ્છતા કે તેઓ મુખ્યમંત્રી બને, પરંતુ સહયોગી પક્ષના કહેવાથી તેમણે આ જવાબદારી સંભાળી છે. એટલે કે બદલાયેલી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તેમને મુખ્યમંત્રી પદ પર રહેવાની ઈચ્છા નથી. બિહારમાં કેબિનેટ વિસ્તરણ પણ હજી સુધી નથી થયું.

    બીજી બાજુ ભાજપની માંગ વધી રહી છે. તેઓ પહેલાં જ વિધાન પરિષદનું સભાપતિ પદ અને વિધાનસભા અધ્યક્ષનું પદ લઈ ચૂક્યા છે. ભાજપના એક નેતાએ નીતીશને ગૃહ વિભાગ છોડવાની માંગ પણ કરી દીધી હતી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ મજબુત અને જેડીયુ નબળી દેખાઈ હતી. વિધાનસભાની 243 સીટોમાંથી ભાજપ 74 અને જેડીયુ 43 સીટો જીતી છે. તેમ છતાં ભાજપે ચૂંટણી પૂર્વ કરેલા વાયદા પ્રમાણે નીતીશને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News