રાજ્યસરકારે આજે નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્ણય લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-06 15:01:22
  • Views : 709
  • Modified Date : 2019-06-06 15:01:22

આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં રૂપાણી સરકારે અગાઉ જાહેર કરેલ નવરાત્રિ વેકેશનને રદ કરવાનો નિર્ણય લીધો છે. સરકારે 29મી મેના રોજ નવરાત્રિનું 8 દિવસનું વેકેશન જાહેર કર્યુ હતું. જોકે, આ રજાઓ દિવાળીના વેકેશનમાંથી બાદ કરવામાં આવી હોવાથી અને ખાનગી શાળા સંચાલકોના પ્રચંડ વિરોધના કારણે સરકારે વેકેશન રદ કર્યુ હતું. સરકારે નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી ત્યારે ગણતરીના કલાકોમાંજ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજકોટમાંથી વિરોધનો સૂર ઉઠ્યો હતો.રાજકોટમાં કાર્યરત 400થી વધુ ખાનગી શાળાના સંચાલકોના મંડળ દ્વારા નવરાત્રિ વેકેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. સંચાલકોની માંગણી હતી કે વેકેશનના કારણે શિક્ષણ કાર્ય બગડતું હોવાથી તેઓ નવરાત્રિમાં રજા નહીં આપે અને સરકારના પરિપત્રનો વિરોધ કરશે. અગાઉ ગત વર્ષે પણ સરકારે રજા આપી ત્યારે ખાનગી શાળાના સંચાલકોએ વિરોધ કર્યો હતો.ગુજરાત સરકારે વર્ષ 2018માં નવરાત્રિના વેકેશનની પ્રથમ વાર જાહેરાત કરી ત્યારે પણ રાજકોટથી જ વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. ત્યારબાદ સુરત, અમદાવાદ સહિતની ખાનગી શાળાઓએ નવરાત્રિ વેકેશન ન આપવા મુદ્દે સરકાર સામે બાયો ચડાવી હતી. જોકે, વિરોધના સૂરની વચ્ચે પણ વર્ષ 2018માં નવરાત્રિ વેકેશન યથાવત રહ્યું હતું પરંતુ આ વર્ષે ચૂંટણીની આચાર સંહિતા સમાપ્ત થયા બાદ સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રિમાં વેકેશન આપવામાં આવશે. આ જાહેરાત બાદ થયેલા વિરોધના પગલે સરકારે શિક્ષણવિદો અને શાળા સંચાલકોની માંગણી સ્વીકારી હતી.

Download Our B K News Today App



Related News