પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે પાટણના આનંદ સરોવર ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-18 12:52:24
  • Views : 446
  • Modified Date : 2019-09-18 12:52:24

રાજય સરકાર દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહી છે.  ત્યારે જિલ્લા વહીવટીતંત્ર, પાટણ દ્વારા પણ આનંદ સરોવર, પાટણ ખાતે નર્મદાના નીર વધાવવામાં આવ્યા. તેની સાથે જિલ્લાના અન્ય તાલુકા મથકોએ  પણ નદી નાળા અને તળાવોનું પૂજન કરી ગ્રામજનોને મેઘલાડુ
પીરસવામાં આવ્યા.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પરિયોજના સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ થયા બાદ પ્રથમ વખત તેની
પૂર્ણ ઉંચાઇ ૧૩૮.૬૭ મીટર સુધી પાણી ભરાયા છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી માટે પાટણ ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવનું આયોજન શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.  જેમાં બગવાડા દરવાજાથી આનંદ સરોવર સુધી જાગૃત્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા, પર્યાવરણ બચાવોના બેનરો સાથે વિવિધ શાળાઓના બાળકોની રેલી નીકળી હતી. ત્યારબાદ આનંદ સરોવર ખાતે મંત્રી દિલીપકુમાર ઠાકોરના વરદ હસ્તે શાસ્ત્રોકત વિધિથી નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે આનંદ સરોવર પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે,આજનો દિવસ ઐતિહાસિક છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થાય બાદ પ્રથમ વખત પૂર્ણ ક્ષમતાથી ભરાઇ ગયો. જે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું  અધુરૂ રહેલું સ્વપ્ન સાકાર થયું છે. સરદાર સરોવરની કામગીરી આગળ ધપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અનેક સંઘર્ષો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૪ માં સત્તા સંભાળ્યાના ૧૭ માં દિવસે નર્મદા ડેમની ઉંચાઈ વધારવાની મંજૂરી આપી હતી. જેના કારણે આજે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જતાં આવનારા વર્ષમાં ગુજરાતના ખેડૂતોને ખેતીનું તથા રાજ્યના નાગરીકોને પીવાનું પાણી મળી રહેશે. આ યોજનાથી ગુજરાતના ૧૭૭ તાલુકાઓમાં નર્મદાનું પાણી પહોંચી રહ્યુ છે. ૩૧૨૫ ગામોને સિંચાઇનું પાણી મળી રહ્યુ છે. ૯,૪૯૦ ગામોને પીવાનું શુધ્ધ પાણી મળી રહ્યુ છે. ભારત દેશમાં સૌથી મોટું નેટવર્ક ધરાવતી નર્મદા પરિયોજના છે જેનું પાટણ જિલ્લામાં ૭૩.૮૯ કિ.મી.નું નેટવર્ક પથરાયેલું છે. નર્મદાના નીર હવે પાટણ જિલ્લાને મળતાં પાટણ જિલ્લાના ખેડૂતોના દુઃખના દિવસો દૂર થશે. તેમજ  નગરજનો અને ખેડૂતોને પાણીનો બગાડ ન કરવા અપીલ કરી હતી. કરકસરથી ઉપયોગ કરવા, ખેતી માટે ડ્રીપ ઇરીગેશનનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પાટણ જિલ્લાની ૧,૪૨૭ આંગણવાડી બહેનો સોફટવેર દ્વારા પેપરલેશ વહીવટ કરી શકે તે માટે રાજય સરકાર દ્વારા દરેક આંગણવાડી બહેનોને મોબાઇલ વિતરણ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે મંત્રી મહાનુભાવોના હસ્તે આંગણવાડી બહેનોને મોબાઇલ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ, જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મોહનભાઇ પટેલ, જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખ, રીજીયોનલ મ્યુનિસીપલ કમિશ્નર અમિતકુમાર યાદવ, એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ, નગરજનો, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગમાં ઉપસ્થિત નગરજનોને મેઘલાડુની પ્રસાદી આપવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News