ગુજરાતનાં 50 ટકા ગામો નર્મદાના પાણીથી વચિંત, 797 ગામો કૂવા અને 394 ગામો હજુ પણ હેન્ડપંપના સહારે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 12:19:19
  • Views : 241
  • Modified Date : 2021-03-22 12:19:19

    ગુજરાતમાં નલ સે જલ યોજના 2022 શરૂ કરવામાં આવી છે. ત્યારે હાલ રાજ્યનાં 17843 ગામો પૈકી નર્મદા યોજનાથી જોડાયેલાં ગામોની સંખ્યા વધીને 9360 થઇ છે, એટલે કે 50 ટકા ગામોને નર્મદાનું પાણી પીવા માટે મળી રહ્યું છે, જ્યારે આજે પણ રાજ્યનાં 797 ગામો કૂવાના પાણી પી રહ્યા છે.

    રાજ્યમાં વ્યક્તિગત યોજના હેઠળ પાઇપલાઇનથી પાણી મેળવતાં ગામડાંની સંખ્યા 2691 છે. જૂથ યોજના હેઠળ કુલ 13399 ગામડાંને પાણી મળી રહ્યું છે. પીવાના પાણીની સમસ્યા સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળતી હોય છે, પરંતુ સારો વરસાદ થાય તો સૌરાષ્ટ્રમાં ચેકડેમથી પાણી જમીનમાં ઊતરે છે, જ્યારે નર્મદા યોજનાની પાઇપલાઇનથી મોટા ભાગનાં ગામડાંને પાણી આપવામાં આવે છે.

    PM નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં શુદ્ધ પાણી મળી રહે અને ઘરે ઘરે નળમાંથી પાણી પ્રાપ્ત થાય તેવા સંકલ્પ સાથે ‘નલ સે જલ’ યોજના શરૂ કરી છે. આ યોજનાને વર્ષ 2022 સુધીમાં જ ગુજરાત રાજ્યમાં પૂર્ણ કરી દેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે એમ જણાવી CMએ ઉમેર્યું કે હાલના તબક્કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 17 લાખ જેટલાં નળ-કનેક્શન બાકી રહ્યાં છે, એ માટે ઝુંબેશ સ્વરૂપે દર મહિને એક લાખ નળ-કનેક્શન આપવાના લક્ષ્યાંક સાથે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, એટલે 17 મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં ‘નલ સે જલ’ હશે.


    CMએ વધુમાં ઉમેર્યુ કે રાજ્યના પાંચ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ અને મહેસાણા મળીને પાંચ જિલ્લાઓમાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીના વિસ્તારોમાં ખૂબ જ ઝડપી એટલે કે વર્ષ-2022ના અંત સુધીમાં આ યોજના હેઠળ કામગીરી પૂર્ણ કરી દેવાશે તેવો અમારો મક્કમ નિર્ધાર છે.ગૃહમાં પુછાયેલા જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત અપાયેલાં કનેક્શન સંદર્ભે જવાબ આપતાં પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2019માં 94 અને વર્ષ 2020માં 2067 નળ-કનેક્શન આપવામાં આવ્યાં. એ અંતર્ગત કુલ રૂપિયા 1521.55 લાખ ખર્ચ કરવામાં આવ્યો, જ્યારે ભાવનગર જિલ્લામાં વર્ષ 2019માં 4894 અને વર્ષ 2020માં 20364 નળ-કનેક્શન અપાયાં. તેની પાછળ કુલ રૂપિયા 5730.35 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.


Download Our B K News Today App



Related News