જિલેટિન બનાવનાર કંપનીના માલિકની પૂછપરછમાં નવા ખુલાસા થયા, પોલીસ સ્કોર્પિયોના માલિક સુધી પહોંચી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-27 14:32:57
  • Views : 448
  • Modified Date : 2021-02-27 14:32:57

    મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર પાસે એક સ્કોર્પિયોમાં જિલેટિન મળ્યાના કેસમાં પોલીસને થોડી સફળતા મળી છે. પોલીસે તે વ્યક્તિની ઓળખ કરી લીધી છે જેના નામ પર આ સ્કોર્પિયોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. પોલીસે જિલેટિન બનાવનાર કંપનીના માલિકનું નિવેદન પણ નોંધી લીધું છે. હવે સ્કોર્પિયો સાથે જોવા મળેલી ઈનોવા કારની શોધ તઈ રહી છે. માનવામાં આવે છે કે, આરોપી ઈનોવા કારમાં બેસીને ફરાર થયો હતો. મુલુંડ ટોલ નાકાના CCTV કેમેરામાં પણ આ કાર જોવા મળી છે.ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું કે, આ ગાડી મનસુખ હિરેન નામના વ્યક્તિના નામ પર નોંધાયેલી છે. હિરેને જણાવ્યું કે, 17 ફેબ્રુઆરીની સાંજે તેઓ થાણેથી ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં ગાડી બંધ થઈ ગઈ હતી. તેમને ઉતાવળ હોવાથી ગાડી એરોલી બ્રિજ પાસે ઉભી કરી દીધી હતી. બીજા દિવસે તેઓ ગાડી લેવા ગયા તો તેમને ના મળી.


    આરોપીઓએ ગાડીની નંબર પ્લેટ બદલી દીધી હતી અને ચેસિસ નંબર ખોતરી નાખ્યા હતા. તેમ છતાં પોલીસને ગાડીની ઓળખ કરવામાં સફળતા મળી છે. આ ગાડીમાંથી 20 નંબર પ્લેટ પણ મળી આવી છે. આ નંબર મુકેશ અંબાણીના સ્ટાફની ગાડીઓ સાથે મેચ થઈ રહ્યા છે. શંકા છે કે આરોપી લાંબા સમયથી તેમના કાફલાનો પીછો કરી રહ્યો હતો.

    મુકેશના ઘર એન્ટિલિયાથી લગભગ 200 મીટર એક શંકાસ્પદ SUVમાંથી ગુરુવાર સાંજે જિલેટિનની 20 સ્ટિક્સ મળી હતી. તપાસ દરમિયાન કારનો નંબર પણ ખોટો મળ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ટિલિયામાં બુધવારની રાતે લગભગ 1 વાગ્યે SUV ઊભી કરવામાં આવી હતી. અહીં 2 ગાડી જોવા મળી હતી, જેમાં એક ઈનોવા પણ સામેલ છે. આ ગાડીનો ડ્રાઈવર SUVને અહીં પાર્ક કરીને જતો રહ્યો હતો. પોલીસ હવે આ ઈનોવા અને તેના ડ્રાઈવરની શોધ કરી રહી છે.

કારમાંથી મળેવી જિલેટિન સ્ટિક નાગપુરની સોલર ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીએ બનાવી છે. ક્રાઈમ બ્રાન્ચની કંપનીના ચેરમેન સત્યનારાયણ નુવાલનું નિવેદન લેવામાં આવ્યું છે. પોલીસે તે લોકોની માહિતી મેળવી લીધી છે, જેમને તેમણે જિલેટિન વેચી હતી.


    સત્યનારાયણ નુવાલે જણાવ્યું છે કે, જિલેટિન સ્ટીક હંમેશા સીલબંધ બોક્સમાં ડિસપેચ કરવામાં આવે છે અને તે બોક્સ ઉપર બધી માહિતી હોય છે. પરંતુ જો બોક્સ ટૂટેલુ હોય અને જિલેટિનના રોડને કાઢી નાખવામાં આવ્યો હોય તો એ જણાવવું મુશ્કેલ છે કે ડિલીવરી કોને કરવામાં આવી છે. સત્યનારાયણે જણાવ્યું કે, કંપની જિલેટિનનું બોક્સ કોને ડિસ્પેચ કરે છે તેની સમગ્ર માહિતી ફોર્મ નંબર 11માં રાખે છે. આ ફોર્મ ભર્યા વગર કોઈને પણ જિલેટિન બોક્સ આપવામાં આવતું નથી. કોઈને પણ ડિલિવરી આપતા પહેલાં ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ તરફથી મંજૂરી આપવામાં આવે છે. તે મંજૂરી મળ્યા પછી જ કોઈને બોક્સ ડિસપેચ કરવામાં આવે છે.એન્ટિલિયાની બહાર જે શંકાસ્પદ ગાડી મળી છે એમાં એક ચિઠ્ઠી પણ મળી છે. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ચિઠ્ઠી કમ્પ્યુટરથી ટાઈપ કરવામાં આવી છે. જે બેગમાં ચિઠ્ઠી મળી છે એની પર મુંબઈ ઈન્ડિયન્સ લખ્યું છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે મુકેશભાઈ અને નીતાભાભી, આ તો બસ ટ્રેલર હતું; બધી વ્યવસ્થા થઈ ગઈ છે. પરિવારને ઉડાવાની વ્યવસ્થા કરી દેવાઈ છે. સંભાળીને રહેજો. ગુડનાઈટ. જોકે આ ચિઠ્ઠી અંગે પોલીસે હાલ સત્તાવાર રીતે કંઈપણ જણાવ્યું નથી.

કાર ઉભી રાખનાર આરોપીએ ઓળખ છુપાવવા માટે ખૂબ તકેદારી રાખી હતી. સીસીટીવીમાં દેખાવાથી બચવા માટે તે ડ્રાઈવર વાળી સીટની જગ્યાએ બીજી બાજુથી નીકળ્યો હતો અને તેણે માસ્ક અને ટોપી પહેરી રાખી હતી. જેથી તેને ઓળખવો મુશ્કેલ થયો છે.


Download Our B K News Today App



Related News