પાલનપુરમાં બે દિવસથી ગુમ પરપ્રાંતિય યુવકનો મૃતદેહ મળતાં ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 10:55:59
  • Views : 491
  • Modified Date : 2019-05-21 10:55:59

પાલનપુર-અમદવાદ હાઈવે નજીક આવેલી ટેન્કરની ફેકટરીમાં કામ કરતો પરપ્રાંતિય યુવક બે દિવસથી ગુમ હતો. જેનો સોમવારે સવારે
એસબીપુરા ગામ નજીકથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. જેની જાણ યુવકના પરિવારને થતા
પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને પાલનપુર સિવિલમાં
પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી મૃત્યુનું સાચુ કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે.
પાલનપુરમાં ચકચારી બનેલી ઘટનાની વિગતો એવી છે કે, ઉત્તરપ્રદેશના ૩૦
ઉપરાંતના મજુરો પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર આવેલ અલહાર ટેન્કરની વેલ્ડિંગની ફેક્ટરીમાં રહી ત્યાં મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ફેક્ટરીમાં મજુરી કરતો કુરબાન શહીદ સેફી નામનો યુવક  છેલ્લાં બે દિવસથી ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યો
ન હતો. જેથી પરિવારજનોએ આ યુવકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન સોમવારે વહેલી સવારે આ યુવકનો મૃતદેહ એસબીપુરા નજીક ઈજાગ્રસ્ત હાલતમાં પડેલો હોવાની પરિવારને જાણ થઈ હતી. જેથી પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પાલનપુર સિવિલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News