પાલનપુરમાં કોરોનાના શંકાસ્પદ દર્દીના મોત બાદ મૃતદેહ સ્મશાન બહાર બે કલાક રઝળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-03 12:11:36
  • Views : 1401
  • Modified Date : 2020-06-03 12:11:36

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો શંકાસ્પદ દર્દી સારવાર લઇ રહ્યો હતો. તે દરમિયાન તેનું મોત નિપજતા તેના મૃતદેહને દફનવિધિ માટે સ્મશાન ખાતે લઈ જવાયો હતો. જોકે સ્મશાન બંધ હોઇ દરવાજો ખોલવા માટે કોઈ તૈયાર ન હોવાથી આરોગ્ય તેમજ
પોલીસના જવાનોને મૃતદેહ સાથે સ્મશાનના દરવાજાની બહાર જ તાળુ ખોલવાની રાહ જોઈ બેસી રહેવું પડ્‌યું હતું અને બે કલાક જેટલા સમય સુધી મૃતદેહ રઝળ્યો હતો.
સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી દરમિયાન જાણે માનવતા પણ મરી પરવારી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓને સ્મશાનમાં પણ દફનવિધિ કરવા માટે આનાકાની કરવામાં આવી રહી હોવાની રાવ ઉઠવા પામી છે.
 પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા શંકાસ્પદ દર્દીના મોત બાદ સ્મશાન ખાતે દફનવિધિ માટે લઇ જવામાં આવ્યોહતો. જોકે ત્યાં તેની લાશ રઝળી હતી. આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના સાચોરનો વતની અને પાલનપુરમાં ધંધાર્થે રહેતા આ વ્યક્તિને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા
પાલનપુરની સિવિલ
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ
પણ હજુ સુધી આવવાનો બાકી છે. ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નિપજતા મૃતકને દફન વિધિ માટે સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે સ્મશાનના દરવાજાને તાળુ મારેલ હોઇ આ બાબતે જવાબદાર લોકોને જાણ કરવા છતાં દરવાજાનું તાળુ ખોલવામાં ના આવતા આરોગ્ય તેમજ
પોલીસ કર્મીઓએ મૃતદેહ સાથે જ દરવાજાની બહાર બે કલાક સુધી રાહ જોવી પડી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી દરમિયાન ક્યાંકને ક્યાંક લોકોમાં ભયનો માહોલ એટલી હદે પ્રસરી ગયો છે કે કોરોનાના દર્દીનું નામ પડતાની સાથે જ લોકો તેની પાસે જતા પણ સો વાર વિચારતા હોય છે. ત્યારે ઉપરોક્ત કિસ્સામાં પણ દર્દીના મૃતદેહને આ કારણથી જ રઝળપાટ કરવો પડ્‌યો હોવાનું કહેવાઇ રહ્યુ છે.

Download Our B K News Today App



Related News