ધોરાજીના મોટીમારડ ગામે યુવાનને છરીના ઘા ઝીંકયા બાદ ગળેટુંપો આપી ઘાતકી હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-10 17:01:01
  • Views : 41
  • Modified Date : 2025-02-10 17:01:01

ધોરાજીના મોટીમારડ ગામે 40 વર્ષીય  યુવાનને છરીના ઘા ઝીંકયા બાદ ગળેટુંપો આપી ઘાતકી હત્યા કર્યાનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. ચીખલીયા ગામના રોડ તરફ મારડીયાના માર્ગે આવેલ પાણીમાંથી 40 વર્ષીય પ્રવિણ ઉર્ફે ભગાની લાશ મળતાં ચકચાર મચી ગઈ હતી.

બનાવની જાણ થતાં પાટણવાવ, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની બહેનની ફરીયાદ પરથી ગુનો નોંધી અજાણ્યાં હત્યારાને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.

બનાવ અંગે ધોરાજીના મોટીમારડ ગામે રહેતાં ભાવનાબેન ઉર્ફે હુરીબેન સામતભાઈ ડેર (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યાં શખ્સોના નામ આપતાં પાટણવાવ પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી તેમની માતા રાણીબેન, ભાઈ પ્રવીણભાઇ ઉર્ફે ભગો સાથે રહે છે ઘર કામ કરે છે. તેણીના લગ્ન ઉપલેટાના હરેશભાઈ કારાભાઇ ભેડા સાથે થયેલ હતા અને સંતાનમાં એક દીકરો છે. તેણીના છ વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયેલ છે. તેમજ તેણીના પિતા હયાત નથી. તે બે ભાઇ-બહેન છે, તેમાં મોટા પ્રવીણભાઇ હતા. પ્રવીણભાઇના લગ્ન તેણીના નણંદ શીલ્પાબેન સાથે થયેલ હતા.

તેને પણ છૂટાછેડા થઇ ગયેલ છે. તેણીનો ભાઈ વાહન ડ્રાઇવિંગ કામ કરતો હતો. ગઇ તા.08 ના રાત્રીના આઠેક વાગ્યે તેણી તેના માતા તથા ભાઈ પ્રવીણ સાથે ઘરે હતા ત્યારે ભાઈ તેનું બાઈક લઇ બહાર ગયેલ હતો. ત્યારબાદ  સાડા આઠેક વાગ્યે તેને ફોન કરેલ તો, તેને કહેલ હું બહાર છું મારી રીતે ઘરે આવી જઈશ. મોડી રાત્રી સુધી  ભાઈ ઘરે આવેલ નહિ જેથી તેને ફોન કરતા તેનો ફોન બંધ આવેલ, બાદમાં તેણીએ તેના મોટા બાપાના દિકરા જનક ડેર, રમેશ ડેરને ફોન કરી ભાઇ બાબતે પુછતા કાંઇ જાણવા મળેલ નહિ. 

ત્યારબાદ ગઈકાલે સવારના સાડા નવેક વાગ્યે પિતરાઈ જનકભાઇનો ફોન આવેલ કે, પ્રવીણભાઈની લાશ ચીખલીયા ગામ તરફ જતા રોડ તરફ મારડીયાના માર્ગે પાણીમાં મળેલ છે અને તેનું બાઈક પણ બાજુમાં પડેલ છે, રસ્તામાં લોહીના ધાબાના નિશાનો છે તેમ વાત કરેલ હતી. ત્યારબાદ  ભાઇની લાશને મોટીમારડ સરકારી દવાખાને લઇ જતા તેણી તેના માતા સાથે દવાખાને દોડી ગયેલ અને જોયું તો તેને ગળાના પાછળના ભાગે તથા કમરના ભાગે પેટમાં તીક્ષ્ણ હથીયારથી ઘા મારેલના નિશાનો હતા અને લોહિ પણ નિકળેલ હતું. 

ઉપરાંત ગળામાં દોરી અથવા અન્ય કોઇ ચીજ વડે ગળાટુપો આપેલ હોય તેવું નિશાન હતું. ત્યારબાદ  ભાઈની લાશનું રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે ફોરેન્સિક પી.એમ.કરાવેલ હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી પાટણવાવ પોલીસે ગુનો નોંધી પીઆઈ આર.બી.વાધિયા અને ટીમે તપાસ હાથ ધરી હતી. ઉપરાંત હત્યારાને પકડવા એલસીબીની ટીમ પણ જોડાઈ હતી.

Download Our B K News Today App



Related News