વણસોલ સુઢા ગામે બે સંતાનોની માતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-25 15:47:11
  • Views : 47
  • Modified Date : 2025-04-25 15:47:11

નડિયાદ: મહેમદાવાદ તાલુકાના વણસોલ સુઢા ગામે બે સંતાનોની માતાએ ગળે ફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે પરણીતાના પિતાએ મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ, સાસુ અને જેઠ જેઠાણી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

કઠલાલ તાલુકાના ગોગજીપુરા ગામે રહેતા જશવંતભાઈ ચંદુભાઈ ઝાલાની મોટી દીકરી નીશા (ઉંમર વર્ષ ૨૪)ના લગ્ન આજથી ૭ વર્ષ અગાઉ મહેમદાવાદ તાલુકાના વણસોલ સુઢા ગામે રામદેવપુરા વિસ્તારમાં રહેતા જયેશ પુનાભાઈ ચૌહાણ સાથે થયા હતા. નીશાનું લગ્નજીવન શરૂઆતમાં સારી રીતે ચાલ્યુ હતું. જેથી નિશાબેનને બે સંતાનો થયા હતા. છેલ્લા થોડા સમયથી પતિ, જેઠ, જેઠાણી અને સાસુ ઘરના કામકાજને લઈને શારિરીક માનસિક ત્રાસ ગુજારતા હતા. જેના કારણે નીશાબેન ત્રાસી ગઈ હતી. આ બાબતની નિશાબેને પોતાના માતા પિતાને જાણ કરી હતી. કોઈ વખત નીશાબેન રીસાઈને પિયર આવતી તો તેણીના માવતર સમજાવી પરત સાસરે મુકી આવતા હતા. આ દરમિયાન તા.૧૯ મી એપ્રિલની સાંજે આ જશવંતભાઈને સાસરીમાં પોતાની દીકરી પડી ગયાની જાણ થતા તેઓ અને પરિવારજનો તુરંત જ દીકરીની સાસરીમાં દોડી ગયા હતા. ત્યારે જશવંતભાઈએ દીકરીને મૃત હાલતમાં જોઈ ચોંકી ઉઠયા હતા. તેઓએ આ બાબતે જમાઈને પુછતા નિશાએ સાંજે ઘરમાં લોખંડની પાઈપ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. આમ બે સંતાનોની માતાએ સાસરીયાનો ત્રાસ સહન ન થતાં ગળે ફાંસો ખાઇ મોતને વહાલુ કર્યું હતું. આ બનાવ અંગે જશવંતભાઈ ચંદુભાઈ ઝાલાની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે જયેશભાઈ પુનાભાઈ ચૌહાણ, અજયભાઈ પુનાભાઈ ચૌહાણ, ભારતીબેન અજયભાઈ ચૌહાણ તેમજ શારદાબેન પુનાભાઈ ચૌહાણ સામે પોલીસે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News