મોટા ખેડૂતોના નામ નોંધવા માટે એક ગ્રામસેવકને ચાર ગામની જવાબદારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 17:50:59
  • Views : 734
  • Modified Date : 2019-07-07 17:50:59

બે હેક્ટરથી વધુ ખેતીની જમીન ધરાવતાં મોટા ખેડૂતોને પણ પીએમકિશાન યોજના અંતર્ગત વાર્ષિક છ હજારનો લાભ આપવાની જાહેરાત કર્યા બાદ મોટા ખેડૂતોના નામોની નોંધણીની વિધી ચાલી રહી છે. ત્યારે જિલ્લામાં એક પણ ખેડૂત આ લાભથી વંચિત ન રહી જાય તે માટે એક ગ્રામસેવકને ચાર ગામની જવાબદારી સોંપવામાં આવી છે. તો ઓનલાઇન અરજીમાં રહી જતાં હોય તેવા ખેડૂતોની વિગતો ઘરે ઘરે જઇને લેવામાં આવશે.પ્રધાનમંત્રી કિશાન સન્માન નીધિ યોજના અંતર્ગત અગાઉ બે હેક્ટરથી ઓછી ધરાવતાં પુખ્ત વયના ખેડૂત પરિવારને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલાની આ જાહેરાતને પગલે ગાંધીનગર જિલ્લામાં ૯૦ હજારથી પણ વધારે ખેડૂતોએ અરજી કરી હતી. જેમાથી મોટાભાગના ખેડૂતોને બે-બે હજારના બે હપ્તા મળી ગયા છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે બે હેક્ટરથી વધારે જમીન હોય તેવા પુખ્તવયના ખેડૂત ખાતેદારને પણ આ યોજના અંતર્ગત આવરી લીધા છે. જેના કારણે હવે આ મોટા ખેડૂતોના નામની નોંધણીની કાર્યવાહી જિલ્લા કક્ષાએ ચાલી રહી છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.પી. જાદવે જણાવ્યું હતું કે, જિલ્લામાં એક પણ ખેડૂત આ યોજનાથી વંચિત ન રહી જાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૭૦ જેટલા ગ્રામસેવાકો અને આત્માના સ્ટાફને પણ કામગીરીમાં જોતરવામાં આવ્યો છે. એક ગ્રામસેવકને ચાર ગામની જવાબદારી સોંપવામાં આવી છે. આ ગ્રામસેવક ગામમાં ખેડૂતોના ઘરે જઇને તેમને ઓનલાઇન અરજી કરી છે કે તેની તપાસ કરશે અને અરજી નહીં કરી હોય તેવા પાત્રતા ધરાવતા ખેડૂત ખાતેદારની વિગતો લઇને ઓનલાઇન ફોર્મ ભરશે. તા.૧૫મી જુલાઇ પહેલા નાના-મોટા તમામ ખેડૂતોની ઓનલાઇન અરજી થઇ જાય તે માટે સ્ટાફને ખાસ સુચના આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News