ડીસાના રાણપુર રોડ પર આવેલ મોતનું ટાંકુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-25 11:26:41
  • Views : 437
  • Modified Date : 2019-07-25 11:26:41

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ રાણપુર રોડ
પર સ્વર્ણિમ ગુજરાત યોજના અંતર્ગત બનેલું પાણીનું ટાંકુ અત્યારે મોતનું ટાંકુ બની ગયું છે.  આ ટાંકુ ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. પાણી માટે બનાવવામાં આવેલું આ ટાંકુ અત્યારે લોકોની ચિંતામાં વધારો કરી રહ્યું છે.
ડીસા શહેરમાં રાણપુર રોડ પર આવેલ પિન્ક સોસાયટી અને તેની આસપાસના લોકો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવન ગુજારી રહ્યા છે અને તેમના આ ભયનું મુખ્ય કારણ છે અહી ડીસા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત બનાવવામાં આવેલું પાણી ટાંકુ. પાલિકા દ્વારા આ વિસ્તારના આશરે  ૨૦૦ જેટલા ઘરોમાં પાણીનો પુરવઠો પૂરો પાડવા  માટે ત્રણ માસ અગાઉ  પાણીનું ટાંકુ બનાવવામાં આવ્યું હતું.  આ પાણીના ટાંકાનું તાજેતરમાં નિર્માણ કાર્ય પૂરું થયું છે. ત્યારે ટાંકાનું નિર્માણ પૂરું થયાને હજુ તો માત્ર ત્રણ માસ જેટલો જ સમય વિત્યો છે અને આ ટાંકાની મજબૂતાઈએ જવાબ આપી દીધો છે. રહેણાંક વિસ્તારની વચ્ચો વચ્ચ ઉભેલુ આ ટાંકુ અત્યારે ઠેર ઠેરથી લીકેજ થઈ રહ્યું છે. ત્યારે માત્ર ત્રણ માસમાં જ  જર્જરિત બની ગયેલું આ ટાંકુ અત્યારે અહીના ૨૦૦થી વધુ પરિવારો માટે જોખમ ઊભુ કરી રહ્યું છે.
ડીસા શહેરના પિન્ક સોસાયટી વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતાં લોકો માટે મોત બનીને ઉભેલા આ ટાંકા વિશે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા આ મોતના ટાંકાનું નથી તો સમારકામ કરવામાં આવતું કે નથી તેને હટાવવામાં આવતું. ત્યારે આ અંગે  ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીએ જણાવ્યું હતું કે  આ જોખમી ટાંકુ બનાવનાર તોન્ટ્રાકટરને જાણ કરી દેવામાં આવી છે અને આગામી ત્રણ દિવસમાં તેનું સમારકામ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલું આ ટાંકુ લોકોને પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવેલુ હતું. પરંતુ અત્યારે તો આ ટાંકુ લોકો માટે મોતનો પૈગામ લઈને ઊભુ છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આ ટાંકામાં પાણી ભરવાનું બંધ કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી હોનારતને અટકાવી શકાય છે.

Download Our B K News Today App



Related News