જૂનાગઢના કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે 4થી વધુ લોકો દટાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-24 15:39:19
  • Views : 123
  • Modified Date : 2023-07-24 15:39:19

 ચોમાસામાં ભારે વરસાદ પડ્યા બાદ દુર્ઘટનાઓ વધી જતી હોય છે. ખાસ કરીને કાચા મકાનો પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણી વાર જાનહાની પણ બનતી હોય છે. જૂનાગઢમાં પણ આવી જ એક દુર્ઘટના સામે આવી છે. જૂનાગઢના કડિયાવાડ પાસે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. મકાન ધરાશાયી થતા તેના કાટમાળ નીચે 4 લોકો દટાયા છે. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા.જૂનાગઢમાં બે દિવસ પહેલા ભારે વરસાદના કારણે ભયંકર પરિસ્થિતિ સર્જાઇ હતી. ગીરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યા બાદ તેના પાણી જૂનાગઢમાં આવી ગયા હતા. જૂનાગઢના દાતાર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. દાતાર રોડ જૂનાગઢનો સૌથી જૂનો વિસ્તાર છે. જેથી તેમાં મોટી સંખ્યામાં જૂના અને જર્જરિત મકાનો આવેલા છે.ત્યારે આ પૈકીનું એક મકાન આજે ધરાશાયી થયુ હતુ.સમગ્ર જૂનાગઢમાં 200 જેટલા જર્જરિત મકાનો આવેલા છે. ત્યારે દાતાર રોડ પર જ ત્રણ માળનું મકાન આવેલુ હતુ જે ધરાશાયી થયુ છે. કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા તેની નીચે ચારથી વધુ વ્યક્તિ દટાયા હોવાની માહિતી સામે આવી છે.  ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. સાથે જ સ્થાનિક લોકો પણ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે મદદમાં જોડાયા છે. જેમને મકાન ઉતારી લેવા અગાઉ નોટિસ આપવામાં આવેલી છે. જો કે મકાન માલિકો દ્વારા આ નોટિસને ગણકારવામાં આવી નથી. જેના કારણે આજે એક દુર્ઘટના બની છે.ઘટના સ્થળે હાલ પોલીસ પણ પહોંચી ગઇ છે અને ચારથી વધુ જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર બોલાવી દેવામાં આવી છે. હાલ તો ચારથી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું અનુમાન છે.

Download Our B K News Today App



Related News