પોન્ઝી સ્કીમમાં ગાંધીનગરના 25થી વધુ રહીશોના રૂ. 3.54 કરોડ ડૂબ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 10:37:00
  • Views : 226
  • Modified Date : 2021-03-10 10:37:00

    પોન્ઝી સ્કીમમાં ગાંધીનગરના 25થી વધુ લોકોના 3.54 કરોડ રૂપિયા ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. મહેસાણામાં મુખ્ય બ્રાન્ચ ધરાવતા એફએક્સ બુલ્સ નામની કંપનીના ડિરેક્ટર્સ અને ભાગીદારોએ ટ્રેડિંગમાં પૈસા કરીને પ્રોફિટ આપવાની લાલચ આપી હતી. અનેક લોકો પાસેથી પૈસાનું રોકાણ કરાવીને કંપની બંધ કરી દેવાતાં 4 શખ્સ સામે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત તથા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

    ગુજરાતમાં ગાંધીનગર ઉપરાંત અમદાવાદ, વડોદરા, દિયોદર અને ઇન્દોરમાં પણ કંપનીની સબ બાન્ચ ખોલી લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનો ફરિયાદમાં દાવો કરાયો છે. સેક્ટર-2-બી ખાતે રહેતા નીતિરાજ પુરુષોત્તમભાઈ પરમારે (43)એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે મહેસાણાના પ્રદિપભાઈ સલુભાઈ ચૌધરી (સંતોષનગર સોસાયટી, વીસનગર), ઈશ્વરભાઈ હેન્દુભાઈ ચૌધરી (ત્રિમૂર્તિ સોસાયટી, ઍરોડ્રામ રોડ), દિક્ષિતકુમાર કાંતિલાલ મિસ્ત્રી (તિરુપતિ ટાઉનશિપ) તથા અમદાવાદના ઉમેશભાઈ કાંતિભાઈ પટેલ (શ્રીજી પ્રકાશનગર સોસાયટી, ચાંદખેડા) સામે ફરિયાદ નોંધાવી છે.

    નીતિરાજભાઈએ ફેબ્રુઆરી, 2019માં મહેસાણામાં એફએક્સ બુલ્સ અને એફએક્સ બુલ્સ વેલ્થ મૅનેજમેન્ટના સેમિનારમાં ગયા હતા. ત્યાં પ્રદિપભાઈ, ઈશ્વરભાઈ અને દિક્ષિતકુમાર તેમને મળ્યા હતા. આ ત્રણેયે પોતાની કંપનીમાં પૈસા રોકીને મોટા આર્થિક લાભ આપવાની જાહેરાત કરી હતી. જેને પગલે તેઓએ કંપનીમાં અલગ-અલગ તારીખોમાં 59,39,500 રૂપિયા જમા કરાવ્યા હતા. જેમાંથી 41 લાખ કંપનીના પીએમએસ પ્લાન અને 18,39,500 રૂપિયા કંપનીના બી પ્લાનમાં રોક્યા હતા.

    પીએમએસમાં 4 ટકાના માર્જીનથી નાણાં પરત કરવાની તેમજ બી પ્લાનમાં મૂળ રકમ પ્રથમ 6 મહિનામાં સરખા હપતે પરત કરી 30 મહિના સુધી પ્રોફિટ પેટે નાણાં આપવાની લાલચ અપાઈ હતી. નીતિરાજભાઈએ રોકેલાં નાણાં સામે કંપનીએ પ્રથમ 4 માસ સુધી કુલ 12,39,431 રૂપિયા પરત આપ્યા હતા. આથી તેમણે મિત્રવર્તુળમાં પણ આ સ્કીમ અંગે જાણ કરી હતી.નીતિરાજભાઈએ જુલાઈ, 2019માં કુડાસણમાં ઉગ્તી કોર્પોરેટ પાર્કમાં એફએક્સ બુલ્સ નામે સબ બ્રાન્ચ ચાલુ કરી હતી. નીતિરાજભાઈના મિત્રવર્તુળ અને જાણીતા લોકોનું કંપનીમાં કુલ 3,54,80,754 રૂપિયાનું રોકાણ થઈ ગયું હતું. કરોડો રૂપિયાના રોકાણ સામે કંપનીએ મહિનાઓ સુધી નાણાં પરત ન કરતાં નીતિરાજભાઈને છેતરપિંડીની શંકા ગઈ હતી. જેને પગલે તેમણે ઑગસ્ટ, 2020માં ઑફિસ બંધ કરી હતી.

    આરોપી પ્રદીપ ચૌધરી અને દિક્ષિત મિસ્ત્રી સામે ઈડર પોલીસ સ્ટેશનમાં પણ 15 દિવસ પહેલાં જ 14 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ઈડરમાં યોજેલા સેમિનારમાં તેઓની વાતમાં આવેલા 2 યુવકે નાણાં ગુમાવ્યાં હતાં. ઈડર પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે, જેને પગલે ગાંધીનગરના કેસમાં તપાસ ચલાવી રહેલા પીએસઆઈ એસ. આર. રાઠોડે આરોપીઓની ટ્રાન્સફર વૉરંટના આધારે ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

    પૈસાની ઉઘરાણી માટે નીતિરાજભાઈ મહેસાણની હેડ ઑફિસમાં પહોંચ્યા ત્યારે એફએક્સ બુલના બોર્ડને બદલે એ. સી. અગ્રવાલ નામે ઑફિસનું બોર્ડ લાગેલું હતું. લોકડાઉના કારણે વિદેશમાં પૈસા ફસાયા હોવાની વાત કરી ટૂંક સમયમાં પૈસા આપવાનો વાયદો કર્યો હતો. ત્યાર બાદ તેઓએ ભાગીદાર ઉમેશ પટેલ પૈસા આપવાનો હોવાની વાત કરી સમજુતી કરાર બતાવ્યો હતો, પરંતુ આજ સુધી પૈસા પરત ન આપ્યા ન હતા.

    આરોપીઓએ છેતરપિંડીના પૈસાથી હારીજ ખાતે નેશનલ હાઈ-વે પર જમીનો, મહેસાણામાં ઑફિસો, મકાનો તથા ગાડીઓ ખરીદી હોવાનો દાવો પણ કરાયો છે. હાલ તો ઇન્ફોસિટી પોલીસે ઈનામી છેતરપિંડી,મની સર્ક્યુલેશન સ્કીમ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.


Download Our B K News Today App



Related News