અમદાવાદની ખાનગી હોસ્પિટલોના 200થી વધુ ડોક્ટરો રસ્તા પર ઊતર્યા, OPD બંધ હોવાથી દર્દીઓ બેહાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-22 11:35:24
  • Views : 187
  • Modified Date : 2022-03-22 11:35:24

અમદાવાદની ખાનગી હોસ્પિટલોના 200થી વધુ ડોક્ટરો રસ્તા પર ઊતર્યા, OPD બંધ હોવાથી દર્દીઓ બેહાલ

 

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ (AHNA) સાથે સંકળાયેલા ખાનગી હોસ્પિટલોના ડોકટરોએ ફોર્મ ‘સી’ રજિસ્ટ્રેશનના રિન્યુઅલના તેમજ બીયુ પરમિશનના પ્રશ્નને લઈને આજે સવારે રેલી યોજી હતી. આશ્રમ રોડ પર વલ્લભ સદન ખાતે બેનરો દર્શાવી વિરોધ કર્યો હતો. આ વિરોધપ્રદર્શનમાં શહેરની ખાનગી હોસ્પિટલોના 200થી વધુ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયો હતો. ડોકટરોએ આજે વિરોધને પગલે સવારે 9થી 11 સુધીની OPD બંધ રાખી છે. જોકે સાંજની OPD રાબેતા મુજબ જ ચાલુ છે.

આજે ડોક્ટરોએ સી ફોર્મમાં નિયમોમાં સુધારા અંગે વિરોધ કરી મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાને આવેદનપત્ર આપવામાં માટે રિવરફ્રન્ટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. પરંતુ કમિશનર શહેરમાં રાઉન્ડમાં નીકળ્યા હોવાથી તેઓને મળ્યા ન હતા. ડોકટરોને બપોર બાદ સમય લઈ આવવા કહ્યું હતું. ડોકટરો બપોરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પણ મળવા જવાના છે.

AHNAના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલીવાર હોસ્પિટલના રજિસ્ટ્રેશનના રિન્યુઅલ માટે બીયુ પરમિશનની માગણી કરવામાં આવી છે. શહેરમાં 50 ટકા બિલ્ડિંગો BU પરમિશન વગરનાં છે. સી ફોર્મના કાયદામાં થોડી છૂટછાટ આપવામાં આવે. સી ફોર્મના નવા નિયમોને કારણે 500 જેટલી હોસ્પિટલો બંધ થઈ જશે. આજે આ સી ફોર્મના નિયમોમાં ફેરફાર લાવવા માટે વલ્લભ સદન પાસે મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધપ્રદર્શન કર્યું છે અને આજે સવારે OPD બંધ હોવાને કારણે દર્દીઓને પડતી તકલીફ માટે અમે માફી માગીએ છીએ.

બીયુ માટેના કાયદાઓ સ્થળ પરની પરિસ્થિતિને સુસંગત ના હોવાથી મોટા ભાગની હોસ્પિટલ્સ તેમજ નર્સિંગ હોમ્સને બીયુ લેવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલાંક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં અન્ય લોકો તૈયાર ન હોવાથી પણ બીયુ પરમિશન લેવી અઘરી પડી રહી છે. દર્દી તેમજ સામાન્ય લોકો માટે આગ સામેની સલામતી માટે જરૂરી સિસ્ટમ તમામ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સમાં ઉપલબ્ધ છે. ફાયર એનઓસી મેળવવામાં આવી છે. આ બાબત અંગે કોઈ જાતની બાંધછોડ ન કરવા અમે પ્રતિબદ્ધ છીએ, એવું AHNA સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News