ચોમાસું : ગુજરાતના 70 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી, સંતરામપુરમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ, ચાર મહિલા સહિત 6નાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-13 10:57:32
  • Views : 197
  • Modified Date : 2022-06-13 10:57:32

ચોમાસું : ગુજરાતના 70 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી, સંતરામપુરમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ, ચાર મહિલા સહિત 6નાં મોત

રવિવારે સવારના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં મહીસાગરના સંતરામપુરમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ગઇકાલે વલસાડના ઉમરગામમાં 22 મિ.મી., કપરાડામાં 31 મિ.મી., ધરમપુરમાં 25 મિ.મી તો વડોદરાના સંતરામપુરમાં 81 મિ.મી એટલે કે 3 ઇંચ વરસાદ, કડાણામાં 50 મિ.મી અને ઝાલોદમાં 30 મિ.મી. વરસાદ પડ્યો હતો. આ સિવાય રાજ્યના 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

રાજકોટમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો

જ્યારે સૌરાષ્ટ્રના જામનગરના કાલાવડમાં રવિવારે એક ઈંચ વરસાદ વરસ્યો હતો તો ખંભાળિયા, જામજોધપુર અને લાલપુરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. બીજી બાજુ રાજકોટમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

બીજી બાજુ ગઇકાલે આર્થિક પાટનગર અમદાવાદમાં પણ મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. પહેલા વરસાદમાં ન્હાવા માટે શહેરીજનો રસ્તા પર આવી ગયા હતા તો કેટલાકે સોસાયટીના ધાબા પર ચાલુ વરસાદે છબછબિયાં કર્યા હતા. અમદાવાદમાં લગભગ 45 મિનિટ જેટલો વરસાદ પડયો હતો. વીજળીના ચમકારા પણ સતત જોવા મળ્યા હતા. અડધો ઈંચ જેટલા વરસાદમાં જ થોડા સમય માટે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

એ સિવાય વધુમાં તમને જણાવી દઇએ કે, મોરબીના ઝિકિયારી, નર્મદાના સાગબારામાં સીમ આમલી અને સંતરામપુરના ગોઠીબડા ગામમાં વીજળી પડતાં એક-એક મહિલાના મોત નિપજ્યાં હતા. બીજી તરફ હળવદના સુંદરી ભવાનીમાં દીવાલ પડતા એક મહિલા સહિત કુલ 3 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે મલેકપુરના ખુંદી ગામે ઝાડ પર વીજળી પડતાં વૃક્ષો નીચે બાંધેલા બે પશુના મોત નિપજ્યાં હતા. આ સાથે છોટાઉદેપુર તાલુકાના બોડ ગામમાં વીજળી પડવાથી એક ગાયનું મોત નિપજ્યું હતું તો રૂનવાડ ગામે વીજળી પડવાથી બે ભેંસના મોત થયા હતાં.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રવિવારે બપોર બાદ રાજ્યના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્ય તેમજ અમરેલીના વડિયામાં સાંજના ચાર વાગ્યાથી છ વાગ્યા દરમિયાન દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

15થી 20 જૂન સુધીમાં વરસાદની સંભાવના

નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું છે. ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન સુધીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  તારીખ 13થી 14 જૂન સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. તો તારીખ 16થી 18 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના સેવવામાં આવી છે. તારીખ 15 જૂન બાદ ગુજરાતમાં છુટો-છવાયો વરસાદ ચાલું રહેશે. ચાર દિવસ સુધીમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચવાની સંભાવના છે.

 

Download Our B K News Today App



Related News