ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસમાં અતિભારે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-23 10:16:11
  • Views : 3189
  • Modified Date : 2019-06-23 10:16:11

વાયુ વાવાઝોડાનાં કારણે રાજ્યમાં મેઘરાજાની શાનદાર એન્ટ્રી થયા બાદ વરસાદે વિરામ લીધો હતો જેના કારણે ગરમી અને બફારાથી પ્રજાજનો ત્રાસી ગયા હતા. તેવામાં આજે સમગ્ર રાજ્યમાં અનેક શહેરો અને જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 23થી 25 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કેટલાક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ છે અને પશ્ચિમ રાજસ્થાનમાં ટર્ફ આકાર પામ્યું છે. આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બેસી શકે છે. લો પ્રેશર અને ટર્ફની અસર હેઠળ નેઋત્યનું ચોમાસુ બેસી શકે છે.


બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. ડીસામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યાં જ ડીસામાં વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદ થતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી.

ઉત્તર ગુજરાતમાં ચાર દિવસ મેઘરાજાએ વિરામ લીધા બાદ શનિવારે સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. તાપમાનમાં ઘટાડો થયો હોવાછતાં બફારો અને ઉકળાટને કારણે લોકો પરસેવે રેબઝેબ ત્રાહીમામ્ પોકારી ઉઠયા હતા. દરમિયાન સાંજના સુમારે બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડતાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ૨૩, ૨૪ અને ૨૫ જૂનના રોજ બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

શનિવારે સાંજે ઉત્તર ગુજરાતમાં હવામાને પલટો ખાતાં પવન ફૂંકાયો હતો. જ્યારે ડીસા, પાલનપુર, છાપી, વડગામ, ખેરાલુ, સતલાસણા અને વડનગર સહિતના વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડયા હતા.બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ૧૫ જૂનથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જેના લીધે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડયો હતો. જોકે, હાલમાં વરસાદના વિરામ બાદ ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ગરમીની સાથે સાથે દિવસ દરમિયાન બફારાનું પ્રમાણ વધતા લોકો બેહાલ બન્યા છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યાનુસાર ૨૩ જૂનથી લઈ ૨૬ જૂન સુધી રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા સહિતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.


Download Our B K News Today App



Related News