લાખ્ખોનું બિયારણ બગડવાની શક્યતા:ડીસામાં ખાતરની અછતથી બટાટાનું વાવેતર અટકી ગયું; 40 હજાર બોરી એનપીકે ખાતરની તાત્કાલિક જરૂરિયાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-02 19:18:21
  • Views : 329
  • Modified Date : 2022-11-02 19:18:21

 

દેશભરમાં બટાટા હબ બનેલા ડીસામાં બટાકાની વાવણી ટાઈમે જ એનપીકે ખાતરની અછત થતાં અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવણીના સમયે જ ખાતર ન મળતા ખેડૂતોને કાપેલું બિયારણ બગડી જવાની તેમજ મોટું આર્થિક નુકસાન થવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે ખેડૂતોએ જો સરકાર તાત્કાલિક ખાતરની વ્યવસ્થા નહીં કરે તો આગામી ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

 

બટાટા નગરી ગણાતા ડીસામાં બટાકાના વાવેતરનો પ્રારંભ થઈ ગયો છે. હાલમાં ખેડૂતો બટાકાના બિયારણ કાપવાની પ્રવૃત્તિમાં જોતરાયા છે. ત્યારે બટાટાની વાવણી સમયે જ એનપીકે ખાતરની અછત ઉભી થતાં અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં 70 હજાર હેક્ટરથી વધુ જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. જેમાં વાવણી સમયે મુખ્ય ખાતર તરીકે એન.પી.કે ખાતર આપવાનું રહે છે. આથી જિલ્લામાં 1.5 લાખ ઉપરાંત બેગ એનપીકે ખાતરની જરૂરત પડે છે.

 

પરંતુ આ વર્ષે યોગ્ય પ્રમાણમાં ખાતર નહીં આવતા હવે વાવણી સમયે જ ખાતરની અછત ઊભી થઈ છે. ખેડૂતો ખાતર માટે હાલ આમથી તેમ રઝળપાટ કરી રહ્યા છે. ખાતર ન મળવાના કારણે અનેક ખેડૂતોને કાપેલું બિયારણ બગડી જવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલમાં ડીસા તથા બનાસકાંઠા જિલ્લામાં કુલ મળીને 40થી 50 હજાર બેગ જેટલા બિયારણની તાત્કાલિક જરૂર છે. જો આટલા પ્રમાણમાં ખાતરનો જથ્થો એક બે દિવસમાં ઉપલબ્ધ નહીં થાય તો અનેક ખેડૂતોને કાપેલું બિયારણ બગડી જશે તેમ જ અનેક ખેડૂતો બટાકાની વાવણી કરી શકશે નહીં.

 

જેથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતી ઉભી થઈ છે. ત્યારે ખેડૂતોની માગ છે કે, સરકારે તાત્કાલિક ધોરણે બનાસકાંઠામાં એનપીકે ખાતર ઉપલબ્ધ કરાવવું જોઈએ. હાલમાં ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને સરકાર ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આથી જો સરકાર ખરા ટાઈમે ખેડૂતોને ખાતર ઉપલબ્ધ નહીં કરાવે તો આગામી ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવાની સરકારે પણ તૈયારી રાખવી પડશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.

Download Our B K News Today App



Related News