ડીસાના સાંડિયામાં પંચાયતની જમીનમાંથી લાખો રૂપિયાની માટીની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-02 10:59:18
  • Views : 237
  • Modified Date : 2022-06-02 10:59:18

 

 કોન્ટ્રાક્ટર દ્વારા બિન અધિકૃત રીતે ખોદકામ કરી માટી લઈ જવાઇ

 

 ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિત સભ્યોએ કલેકટર,ભૂસ્તર વિભાગને ફરિયાદ કરી

 

ડીસા તાલુકાના સાંડિયા ગામે ગ્રામ પંચાયતના હેડે ચાલતી સરકારી જમીનમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા બિન અધિકૃત રીતે કોઈની પણ પરવાનગી વગર ખોદકામ કરી 150થી પણ વધુ ડમ્પરો ભરીને માટી લઈ જઈ લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી કરી હોવાની ફરિયાદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિત સભ્યોએ કરી છે.

 ડીસા તાલુકાના  સાંડિયા ગામમા ગ્રામ પંચાયતના હેડે ચાલતી સરકારી જમીન જે જમીન સવાલાવાળી જમીન તરીકે ઓળખાય છે તેમાંથી માટીકામના કોન્ટ્રાક્ટર સુરેશભાઈ દેસાઈ પાલડી વાળા એ ગેરકાયદેસર રીતે હિટાચી મશીન મૂકી મોટા પાયે માટીનું ખોદકામ કર્યું હતું.સુરેશ દેખાઈ આ બાબતે ગ્રામ પંચાયતની,ભૂસ્તર વિભાગની કે મામલતદારની કોઈની પણ પરવાનગી વગર મશીન મૂકી 150થી વધુ ડમ્પરો માટી લઈ જઈ લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી કરી છે. ખોદકામ ચાલતું હતું ત્યારે ગામ પંચાયતના ઉપસરપંચ સહિત સભ્યો દ્વારા સરપંચને મૌખિક રજૂઆત કરી હતી પરંતુ સરપંચે આ બાબતે ધ્યાન આપ્યું ન હતું તેમજ કોન્ટ્રાક્ટર માથાભારે  અને રાજકીય લાગવગ ધરાવતો હોય તેણે ' સરકારમાં  જયાં રજૂઆત કરવી ત્યાં કરો 'કેમ કહી ધમકાવીને કાઢી મુક્યા હતા.

જેથી આ બાબતે ગ્રામ પંચાયતના ઉપ સરપંચ જોઈતાભાઈ મલુપુરા,સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચનભાઈ પરમાર તેમજ સભ્ય સીતાબેન દેવાભાઈ ઘટાડ દ્વારા કોન્ટ્રાક્ટર સામે ગેરકાયદેસર રીતે ખોદકામ કરી લાખો રૂપિયાની ચોરી કરવા બદલ જિલ્લા કલેકટર,  જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી તેમજ ડીસા મામલતદાર ને લેખિત રજૂઆત કરી તપાસ કરવા જણાવ્યું હતું.

આ બાબતે ડીસા મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર ડી.પી.ઝાલાએ જણાવ્યું હતું કે 'અમોને રજૂઆત મળતા સ્થળ પર માપણી કરી પંચનામું કરેલ છે.જેમાં મોટાપાયે ખોદકામ જણાઇ આવેલ હોઇ આ બાબતનો વિસ્તૃત રિપોર્ટ કરી ભૂસ્તર વિભાગને રજુ કરીશું.'

Download Our B K News Today App



Related News