રાજકોટના કરોડપતિ ચોરે 4 માસમાં 12 ચોરી કરી, ત્રણ માળના સેન્ટ્રલી એસી મકાનમાં રહેતો, સુરતમાં 19 લાખની કાર બુક કરાવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 14:39:11
  • Views : 392
  • Modified Date : 2020-12-15 14:39:11

    કરોડપતિ ચોર તરીકે કુખ્યાત આનંદ સીતાપરાએ છેલ્લા ચાર મહિનામાં રાજકોટ શહેરમાં 12 સ્થળે ખાબકી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉસેડી લીધો હતો. પોલીસે આનંદ અને તેના પુત્રને ઝડપી લઇ રૂ.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેનો સાગરીત અગાઉથી જેલમાં હોઈ પોલીસે તેનો કબજો મેળવવાની તજવીજ શરૂ કરી હતી. આનંદે 4 મહિનામાં 12 સ્થળે લાખોની ચોરી કરી હતી. ચોરી કરતી વખતે સફેદ કપડાં જ પહેરતો અને ચોરી કર્યા બાદ મંદિરમાં બલિ ચડાવી માનતા પૂરી કરતો હતો. આનંદ એક સમયે ત્રણ માળના સેન્ટ્રલી એસી મકાનમાં રહેતો હતો અને 19 લાખની કાર પણ બુક કરાવી હતી.નવેમ્બર મહિનામાં રાજકોટના મિલપરામાં મકાનનાં તાળાં તોડી તસ્કરો રૂ.2.50 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા, એ જ સમયગાળામાં રામકૃષ્ણનગરના બંધ મકાનમાંથી રોકડા રૂ.13 લાખ અને સોનાના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હતી. છેલ્લા ચાર મહિનામાં ચોરીનો આંક ચિંતાજનક રીતે વધતાં પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. લાખો રૂપિયાની ચોરી થઈ હતી એ સ્થળે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં જે સ્ટાઇલથી ચોરી થઈ હતી અને જે શખસ દેખાતો હતો તે સુરત રહેતા નામચીન તસ્કર આનંદ જેસિંગ સીતાપરાની સંડોવણી હોવાની પોલીસને દૃઢ શંકા ઊઠી હતી, આથી પોલીસે આનંદ અને તેના પિતાની ધરપકડ કરતાં તેણે જ ચોરી કર્યાની કબૂલાત આપી છે.


    દરમિયાન આનંદ ઉર્ફે જયંતી જેસિંગ સીતાપરા અને તેનો પુત્ર હસમુખ સીતાપરા ચીથરિયા પીરની દરગાહ નજીક હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે. ગઢવી અને પીએસઆઇ ધાખડા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે આનંદ અને તેના પુત્ર હસમુખને ઉઠાવી લઇ આગવી ઢબે પૂછપરછ કરતાં આનંદે રાજકોટ શહેરમાં છેલ્લા ચાર મહિનામાં રામકૃષ્ણનગર, મિલપરા અને ઇન્દ્રપ્રસ્થનગરમાં થયેલી ચોરી સહિત 12 ચોરી કબૂલી હતી. પોલીસે આરોપી પિતા-પુત્ર પાસેથી રૂ.10.50 લાખના સોના-ચાંદીના દાગીના, રોકડા રૂ.3.19 લાખ, રૂ.1.25 લાખનાં 2 બાઇક અને રૂ.7 હજારની ઘડિયાળ સહિત કુલ રૂ.15,01,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આનંદે કબૂલાત આપી હતી કે પોતે ચોરી કરી એ તમામ સ્થળે તેની સાથે કોઠારિયામાં રહેતા પીયૂષ વિનુ અમરેલિયાની પણ સંડોવણી હતી. આનંદ સીતાપરા વર્ષ 2007 પહેલાં રાજકોટના કોઠારિયા રોડ પર રહેતો હતો અને તેનું ત્રણ માળનું મકાન હતું, જે સેન્ટ્રલી એરકન્ડિશનર હતું. વૈભવી જીવન જીવતો આનંદ સીતાપરા વર્ષોથી ચોરી કરતો હતો અને અગાઉ 32 ચોરીના ગુનામાં તેની સંડોવણી ખૂલી હતી અને એક વખત પાસા પણ થઇ હતી. આનંદ ચોરી કરવા જતો હતો એ પહેલાં માનતા રાખતો હતો. અને મોટો દલ્લો હાથ આવ્યા બાદ જામજોધપુરમાં આવેલા મંદિરે જઇ બલિ ચડાવી માનતા પૂરી કરતો હતો.


    કરોડપતિ ચોર આનંદ સીતાપરા વર્ષોથી ચોરી કરતો હતો, દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ફરી બંગલાની રેકી કરતો, બંધ બંગલો દેખાય એટલે તેને નિશાન બનાવતો. રાત્રિના ચોરી કરવા જાય ત્યારે પીયૂષના બાઇક પાછળ બેસતો ,ઓળખ ન થાય એ માટે બાઇકમાં નંબર પ્લેટ રાખતો નહીં અને પીયૂષને હેલ્મેટ પહેરાવતો હતો. ચોક્કસ મકાને પહોંચ્યા બાદ આનંદ બંગલામાં એકલો જ ઘૂસતો, પીયૂષને ત્યાંથી રવાના કરી દેતો અને દલ્લો હાથ આવ્યા બાદ પીયૂષને બોલાવી રવાના થઇ જતો હતો.'વૈભવી લાઇફસ્ટાઇલ ધરાવતો આનંદ સીતાપરા ચોરી કરવા જાય ત્યારે સફેદ કપડાં જ પહેરતો હતો જ્યારે કોઇ મકાન નજીક રેકી કરતો હોય અને કોઇ વ્યક્તિ તેને ટપારે તો મરણના કામે જતો હોવાનું કહેતો. તેનો પોશાક જોઇ સામેની વ્યક્તિને સહાનુભૂતિ થતી અને મોકો મળતાં જ ઘરમાં ઘૂસી જતો હતો.

    રાજકોટ શહેરમાં ચાર મહિનામાં લાખો રૂપિયાની ચોરી કર્યા બાદ આનંદ સીતાપરા સુરત તેના ઘરે જતો રહ્યો હતો અને સુરતમાં એમ.જી. હેક્ટરના શો-રૂમમાં જઇ તેના પુત્ર માટે રૂ.19 લાખની કિંમતની એમ.જી.હેક્ટર કાર બુક કરાવી હતી અને બુકિંગ પેટે રૂ.2 લાખ પણ ચૂકવી દીધા હતા. પોલીસે શો-રૂમના સંચાલક પાસેથી રૂ.2 લાખ જપ્ત કર્યા હતા.






Download Our B K News Today App



Related News