મહેસાણા: ઢોર પકડતી એજન્સીના અભદ્ર વર્તનથી માલધારીઓમા આક્રોશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-24 14:33:34
  • Views : 220
  • Modified Date : 2022-09-24 14:33:34


મહેસાણામાં માલધારીઓએ રેલી યોજી ઓફિસરનો હુરિયો બોલાવી આક્રોશ વ્યક્ત કર્યો


એજન્સીના માણસો માલધારીઓના ઘર આગળ બાંધેલા ઢોર લઈ જઈ અને પૈસા પડાવતા હોવાનો આક્ષેપ


મહેસાણા : મહેસાણાના માલધારીઓએ આજે ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિના નેજા હેઠળ રેલી યોજી નગરપાલિકા અને કલેક્ટર કચેરીમાં પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.

મહેસાણામાં માલધારીઓએ રેલી યોજી અને નગરપાલિકા કચેરી પહોંચ્યા હતા. તેમજ ચીફ ઓફિસરને ઢોર પકડતી એજન્સીના ગેરવર્તન અને અભદ્ર ભાષામાં વાતચીત કરવાને લઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા રજૂઆત કરી હતી. ચીફ ઓફિસરને માલધારીઓએ બરાબરના આડેહાથ લીધા હતા અને આગામી ટૂંક સમયમાં એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.


મહેસાણા નગરપાલિકા દ્વારા ઢોર પકડવા માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એજન્સીના માણસો દ્વારા માલધારી સમાજના પશુઓને ગેરકાયદેસર રીતે ઉઠાવી જવાતા હોવાનો આક્ષેપ કરી માલધારીએ આજે રેલી યોજી હતી અને નગરપાલિકા કચેરી પહોંચી અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું.


એજન્સીના માણસો દ્વારા પશુપાલકોના ઘર આગળ બાંધેલા ઢોર પણ છોડી જઈ અને ગેરકાયદે રીતે માલધારીઓ જોડેથી પૈસા પડાવતા હોવાના આક્ષેપ પણ કરાયા હતા તેમ જ હાલમાં જે 5000 રૂપિયા દંડની રકમ વસૂલવામાં આવે છે તેને ઘટાડી અને 1000 રૂપિયા કરવા માટે પણ આવેદનમાં રજૂઆત કરવામાં આવી હતી.

વધુમાં આવેદનમા આક્ષેપ કરવામાં આવ્યો છે કે બે ગાયની પાવતી ફાડી અને ત્રણ ગાયના રોકડા પૈસા એજન્સીના માણસો દ્વારા વસુલી અને હપ્તારાજ ચલાવવામાં આવે છે તેમજ નગરપાલિકાને પણ ગેરમાર્ગે દોરીને બાર નંગની જગ્યાએ 15 નંગ વધારીને નાણાં લેવામાં આવતા હોવાની આવેદનમાં રજૂઆત કરી છે. માલધારીઓને એજન્સી દ્વારા રખાયેલા કોન્ટ્રાક્ટ પરના માણસો ખોટી અરજીઓ ખોટા કેસ કરવાની ધમકીઓ પણ આપી રહ્યા છે.

નોંધનીય છે કે પાલિકા કચેરીમા  આવેદન સ્વીકારવા માટે ચીફ ઓફિસર હાજર ન હોવાથી માલધારીઓ થોડો સમય ધરણા પર બેસી ગયા હતા. જોકે આ અંગેની જાણ થતા તાત્કાલિક પાલિકા કચેરી ચીફ ઓફિસર પહોંચ્યા હતા અને આવેદનપત્ર સ્વીકારી માલધારીઓની રજૂઆતો સાંભળી હતી.

Download Our B K News Today App



Related News