અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : હાટકેશ્વર વિસ્તાર ફેરવાયો બેટમાં, છેલ્લા 24 કલાકમાં અહીં ખાબક્યો 10 ઈંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 11:13:03
  • Views : 224
  • Modified Date : 2022-07-24 11:13:03


અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : હાટકેશ્વર વિસ્તાર ફેરવાયો બેટમાં, છેલ્લા 24 કલાકમાં અહીં ખાબક્યો 10 ઈંચ વરસાદ


ગુજરાતમાં આગામી 24 કલાક માટે હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં અમદાવાદમાં મોડી રાતથી જ સવાર સુધી તડામાર વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોએ ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે.


તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં મોડી રાતથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેથી શહેરના અનેક વિસ્તારોમાં નીચાણવાળા ભાગમાં પાણી ભરાઇ ગયા છે. જેના લીધે વાહનચાલકો ભારે હેરાન થઇ ગયા છે. સવાર-સવારમાં ઓફિસે જવામાં પણ લોકોએ ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો.


સરસપુરમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન


અમદાવાદમાં મોડી રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરના સરસપુર વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. સરસપુરની તપોવન સોસાયટી પાસે વરસાદી પાણી ભરાઇ જતા સ્થાનિકો ભારે હેરાન થયા છે. તેમજ રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકોએ સવાર-સવારમાં હેરાન થવાનો વારો આવ્યો.


હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો


અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાઇ જતા રસ્તા પર તો જાણે કે નદીઓ વહેતી હોય તેવાં દ્રશ્યો સર્જાયા હતા. શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાતા સમગ્ર વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાયો હોય તેવું લાગી રહ્યું છે. વધુ પડતું પાણી ભરવાના કારણે સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. ઢીંચણસમા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઇ ગયા છે.


નિકોલ વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાયા


શહેરના નિકોલ વિસ્તારમાં પણ દર વર્ષે ઠેર-ઠેર પાણી ભરાવાની રામાયણ રહે છે. ત્યારે આખી રાત વરસેલા વરસાદમાં નિકોલના મધુ માલતી આવાસમાં વરસાદી પાણી ભરાઇ જતા લોકો હેરાન થઇ ગયા છે. સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે. આવાસમાં પાણી ઘૂસતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.



ખોખરાની હાઉસિંગ સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન


તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં દર વર્ષે પૂર્વ વિસ્તારમાં સહેજ વરસાદ પડે એટલે પાણી ભરાઇ જાય છે. એમાંય જ્યારે ધોધમાર વરસાદ વરસે ત્યારે તો પૂર્વના વિસ્તારો જાણે કે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં આવેલ ખોખરા વિસ્તારની હાઉસિંગ સોસાયટીમાં ભારે વરસાદના કારણે સોસાયટીમાં પાણી ભરાઇ જતા રહીશો ભારે પરેશાન થઇ ગયા છે. અહીં થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે. દર વર્ષે પાણીના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એવું અહીંના સ્થાનિકનું કહેવું છે.


જુઓ અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?


છેલ્લા 24 કલાકમાં શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. શહેરમાં ઓઢવમાં 7.5 ઈંચ, વિરાટનગરમાં 7.5 ઈંચ, નિકોલમાં 6.5 ઈંચ, રામોલમાં 10 ઈંચ, કઠવાડામાં 5 ઈંચ, ટાગોર કંટ્રોલમાં 4.5 ઈંચ, ઉસ્માનપુરામાં 4.5 ઈંચ, ચાંદખેડામાં 4 ઈંચ, રાણીપમાં 3.5 ઈંચ, બોડકદેવમાં 4 ઈંચ, સાયન્સ સિટીમાં 3.75 ઈંચ, ગોતામાં 4 ઈંચ, ચાંદલોડિયામાં 3 ઈંચ, સરખેજમાં 3 ઈંચ, જોધપુરમાં 3.5 ઈંચ, બોપલમાં 3.5 ઈંચ, મક્તમપુરામાં 3.75 ઈંચ, દૂધેશ્વરમાં 3.75 ઈંચ, મેમ્કોમાં 4.5 ઈંચ, નરોડામાં 5.5 ઈંચ, કોતરપુરમાં 5 ઈંચ, મણીનગરમાં 8.5 ઈંચ અને વટવામાં 9 ઈંચ વરસાદ પડ્યો.


 


 


Download Our B K News Today App



Related News