ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગની આગાહી:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-28 16:24:57
  • Views : 103
  • Modified Date : 2023-06-28 16:24:57

 

દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. રાજધાની દિલ્હી સહિત 24 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ચોમાસું દેશના લગભગ  80 ટકાથી વધારે વિસ્તારને કવર કરી ચૂક્યું છે. ગુજરાતમાં પણ મેઘરાજા બરાબરની બેટિંગ કરી રહ્યા છે. આ વચ્ચે હવે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ,  આગામી 5 દિવસ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં છૂટોછવાયો ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે.હવામાન વિભાગ દ્વારા 29 જૂને ગુજરાતના 4 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે.  આપને જણઆવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે. આજે સવારના છ વાગ્યાથી ત્યાર સુધીમાં 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કામરેજમાં નોંધાયો છે. કામરેજમાં પોણા 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના માંડવીમાં 3 ઈંચ, ખેરગામમાં 2 ઈંચ, ધરમપુરમાં 2 ઈંચ, કપરાડામાં 2 ઈંચ, વિસાવદરમાં પોણા 2 ઈંચ, વલસાડમાં પોણા 2 ઈંચ, ચીખલીમાં પોણા 2 ઈંચ, વાપીમાં પોણા 2 ઈંચ, સુરત શહેરમાં પોણા 2 ઈંચ, બારડોલીમાં પોણા 2 ઈંચ, પારડીમાં પોણા 2 ઈંચ, વાંસદામાં પોણા 2 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, ડોલવણમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

 

Download Our B K News Today App



Related News