આગામી એક સપ્તાહ મહતમ તાપમાન 40 ડિગ્રીની નીચે રહેવાની સંભાવના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-21 14:19:13
  • Views : 49
  • Modified Date : 2025-04-21 14:19:13

ભાવનગર : ભાવનગર શહેરમાં ગત સોમવાર સિઝનની સૌથી ગરમ દિવસ જાહેર થયા બાદ મહતમ તાપમાનમાં ક્રમશઃ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જો કે, આજે રવિવારે પણ છેલ્લા ૨૪ કલાકની સરખામણીએ મહતમ તાપમાનનો પારો વધુ ૧.૪ ડિગ્રી નીચે રહેતાં શહેરીજનોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી હતી.જો કે,હવામાન વિભાગે આગામી એક સપ્તાહ ભાવનગરમાં મહતમ તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. 

ભાવનગરમાં શનિવારે મહતમ તાપમાન ૩૭.૪ ડિગ્રી નોંધાયું હતું. અને લઘુતમ તાપમાન ૨૩.૩ ડિગ્રી નોંધાયું હતું. જયારે, ભેજનું પ્રમાણ ૪૧ ટકા અને પવનની ઝડપ ૩૦ કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી.હવામાન વિભાગે આગાહી કરી હતી કે, સપ્તાહના અંત ભાગમાં પવનની ઝડપ સરેરાશથી વધુ રહેશે, જે આગાહી મુજબ શનિવારે દિવસભર ભારે પવન ફૂંકાતા ઠેર-ઠેર ધૂળની ડમરી ઉડવાના બનાવો સામાન્ય બન્યા હતા. જો કે, ભારે પવનના કારણે બપોરના સુમારે શહેરીજનોએ લૂની પણ અનુભવી હતી. જયારે, લઘુતમ તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો હતો.જો કે, પવન હોવાના કારણે એંકદરે ગરમીમાં રાહત જોવા મળી હતી. જયારે,આજે સાંજે પુરા થયેલાં ૨૪ કલાકના અંતે મહતમ તાપમાનનો પારો ગગડીને ૩૬ ડિગ્રીએ અટકયો હતો એટલે કે ૨૪ કલાકમાં મહતમ તાપમાનમાં ૧.૪ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તો, પવનની ઝડપ પણ ઘટીને ૧૮ કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. એટલે કે ગતરોજની સરખામણીએ પવનની ઝડપ ઘટતાં અસહ્ય લૂમાં રાહત મળવાની સાથે શહેરીજનોએ રજાના દિવસે ગરમીમાંથી આંશિક રાહત પણ મેળવી હતી. ઉલ્લેખનિય છે કે,ગત તા.૧૪ના રોજ શહેરમાં સિઝનની સૌથી વધુ ૪૨.૨ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. બાદમાં ક્રમશઃ મહતમ તાપમાનમાં ઘટાડો જોવા મળતાં ભાવેણાંવાસીઓને આકરા તાપ અને ચૈત્રી દનૈયાની તપાવતી ગરમીમાંથી હાલ તુંરત રાહત જોવા મળી હતી. દરમિયાનમાં હવામાન વિભાગે આગામી તા.૨૬ને રવિવાર સુધી શહેરનું મહતમ તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.હવામાન વિભાગે ગત સપ્તાહે પણ વ્યકત કરેલી સંભાવના મુજબ આ સપ્તાહના ચાર દિવસ મહતમ તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે રહ્યું હતું.એ પણ અત્રે ઉલ્લેખનિય છે. 

Download Our B K News Today App



Related News