માતાનામઢમાં મિનિ વાવાઝોડાં સાથે અડધો કલાકમાં પોણો ઇંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-25 12:44:35
  • Views : 455
  • Modified Date : 2019-09-25 12:44:35

અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ભલે ઓમાન તરફ ગયું પણ તેની અસર તળે કચ્છના વાતાવરણમાં મંગળવારે એકાએક પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે પશ્ચિમ કચ્છમાં ઝાપટાંથી લઇ એકાદ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. તીર્થધામ માતાનામઢમાં અડધો કલાક સુધી મીની વાવાઝોડાં સાથે ધોધમાર વરસાદ પડતાં ગામની બજારમાં જોશભેર પાણી વહિ નીકળતાં નવરાત્રીની ચાલી રહેલી તૈયારીમાં વિક્ષેપ પડયો હતો. સતાવાર રીતે કન્ટ્રોલ રૂમમાં નખત્રાણામાં 9 મી.મી અને ભુજમાં 1 મી.મી વરસાદની નોંધ થઇ હતી.માતાનામઢમાં મંગળવારે એકાએક ભારે પવન અને આંધી સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. 5 વાગ્યા પછી સતત અડધો કલાક વરસાદ પડતાં પોણો ઇંચ જેટલું પાણી પડતાં બસ સ્ટેશન વિસ્તારથી મંદિરના પ્રવેશ ગેટ નંબર 3 અને 4 વાળા માર્ગ પર જોશભેર પાણી વહી નીકળ્યા હતા. મઢના ઉપરવાસમાં આવેલ તળાવ છલોછલ ભરાઇ ગયા હોવાથી થોડા સમય પહેલાં પડેલા ભારે વરસાદથી મંદિર પરિસરમાંજ નહિ છેક મુખ્ય મંદિરના પગથીયા સુધી પાણી પહોંચી ગયું હતું. મંગળવારે આવોજ વરસાદ પડતાં થોડા સમય માટે માર્ગો નદી બની ગયા હોય તેવી સ્થિતી જોવા મળી હતી. આ તરફ તાલુકાના મેઘપર, નરા, પાન્ધ્રોમાં પણ જોરદાર ઝાપટાં પડયાના અહેવાલ મળ્યા છે. તાલુકા મથક દયાપરમાં વિજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદની હાજરી જોવા મળી નહોતી.નખત્રાણામાં પણ સાંજના સમયે ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની એકાએક પધરામણી થઇ હતી. ધોધમાર વરસાદના કારણે નખત્રાણા નગરના માર્ગો પર પાણી વહી નિકળવા સાથે ગરમીથી ત્રસ્ત લોકોને આ વરસાદથી રાહત મળી હતી. તાલુકાના રવાપર ગામે પણ ગાજવીજ સાથે પડેલા વરસાદી ઝાપટાંએ શેરીઓમાંથી પાણી વહાવ્યા હતા. દેવપર ગામે પણ જોરદાર ઝાપટું વરસ્યું હતું.36 ડિગ્રી તાપમાને ભુજવાસીઓ આખો દિવસ ગરમીમાં શેંકાયા હતા. ગરમી અને ઉકળાટ પછી મોડી સાંજે સાત વાગયાના અરસામાં એકાએક ભાદરવાના ભુસાકાની જેમ વરસાદ વરસી પડયો હતો. શહેરના હોસ્પિટલ રોડ, જયુબીલી સર્કલ સહિતના વિસતારમાં જયાં ધોધમાર ઝાપટું વરસ્યું હતું ત્યાં બીજી તરફ શહેરના અન્ય વિસ્તારમાં કયાંક ઝરમર તો કયાંક વરસાદની હાજરી જ જોવા મળી નહોતી. તાલુકાના રાયધણપર, વરનોરામાં પણ વરસાદી ઝાપટાં વરસ્યાના અહેવાલ મળ્યા હતા. અબડાસા તાલુકાના નરેડી અને આસપાસના ગામોમાં પણ સામાન્ય ઝાપટાં વરસ્યાની માહિતી મળી છે. ભચાઉના ખડીર વિસ્તારના કણખોઇ અને ભરૂડિયા ગામે પણ ભારે ઝાપટાં વરસતાં પાણી રેલાયાં હતા.

Download Our B K News Today App



Related News