મંગળસૂત્ર વગર માત્ર પ્લાસ્ટીકની બંગડી અને ખાદીનું જાતે કાંતેલું પાનેતર પહેરી લગ્ન કર્યાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 10:37:58
  • Views : 425
  • Modified Date : 2021-03-08 10:37:58

    વિશ્વ મહિલા દિને નવસારીના 92 વર્ષના લીલાબાએ જીવન પર્યત દાખવેલી સાદગી અને અવિરત કરેલા સેવાયજ્ઞની વાત કરવી છે. એરૂ ગામના શ્રીમંત ખેડૂત અને સ્ટેશન માસ્તર ભુલજીભાઇ દેસાઇ અને વજીયાબેનના ઘરે જન્મેલા લીલાવતીબેન 15 વર્ષ સુધી માતા-પિતાના લાડકોડ વચ્ચે ખૂબ જ વૈભવી જીવન જીવ્યા હતા. પરંતુ ગાંધીજીની સાદગીની વિચારધારાથી પ્રભાવિત થઇ તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે મહિલાને જે સૌથી વધુ પસંદ હોય છે. તેવા સોનાનો આજીવન ત્યાગ કર્યો હતો. 1950માં મંગળસૂત્ર વગર માત્ર પ્લાસ્ટીકની બંગડી અને ખાદીનું જાતે કાતેલુ પાનેતર પહેરી લગ્ન કર્યા હતા.

    પતિ દિનકરભાઇ દેસાઇ સ્વાતંત્ર્ય સેનાની અને પૂર્વ ધારાસભ્ય હતા. જ્યારે લીલાવતીબેનના પુત્ર પિયુષ દેસાઇ નવસારીના વર્તમાન ધારાસભ્ય છે, છતા લીલાબાએ સોનુ ન પહેરાવાની પ્રતિજ્ઞા આજીવન પાળી છે. પિયર, સાસરે અને આજીવન આર્થિક સુખી સંપન્નતા વચ્ચે જીવેલા લીલાબાએ જીવનમાં ક્યારેય સાદગી છોડી નથી કે સોનાનું ઘરેણું અંગે પણ અડાડ્યું નથી. દિવ્ય ભાસ્કર સાથેની મુલાકાતમાં પોતાની જીવન ઝરમર વાગોળતા લીલાવતીબેને વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેમની અવસ્થા ન હતી થઇ ત્યાં સુધી તેમણે જાતે કાતેલા ખાદીના વસ્ત્રો જ પહેર્યાં હતા. પોતે બીએસસી, ડીપીએનો અભ્યાસ કર્યો અને પછી પોતે ભણેલું અને ગણેલું જ્ઞાન જીવનભર બાળકોને પિરસ્યુ હતું.

    1950માં પોતાના લગ્ન સ્વાતંત્ર્ય સેનાની દિનકરભાઇ દેસાઇ સાથે થયા હતા. પોતાના લગ્નમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇના માતા સરલાદેવી સારાભાઇએ પારિવારિક લાગણીના નાતાથી હાજરી આપી હતી. 92 વર્ષે પોતાના લગ્નની યાદો વાગોળતા લીલાબા ભાવુક બની ગયા હતા. કારણ કે, તાજેતરમાં જ સ્વાતંત્ર્ય સેનાની દિનકરભાઇનું નિધન થયું હતું.લીલાવતીબેન દિનકરભાઇ દેસાઇ 92 વર્ષે પણ નવસારીની શાળાઓ, મહિલા પરિષદ, મહિલા બચત મંડળી સહિતની સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છે અને આજની તારીખે મિટીંગોમાં હાજરી પણ આપે છે.

    લીલાવતીબેને સ્ત્રી અને દલિતોના ઉત્થાન માટે સતત પ્રયત્ન કર્યા હતા. વલસાડ જિલ્લા સહકારી મહિલા સમિતિના પ્રમુખ તરીકે સેવા આપી, 1951થી 1986 સુધી નવસારી ડી. ડી. ગર્લ્સ હાઇસ્કૂલમાં શિક્ષિકા, સુપરવાઇઝર અને પ્રિન્સિપાલ સુધીના પદ પર સેવા આપી અને આજદિન સુધી આ શાળાની ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યાં છે. 1962માં નવસારીમાં મહિલા પરિષદ શરૂ કરી અને મહિલાઓ માટે કાનુની કેન્દ્રોની પણ સ્થાપના કરી હતી. સમાજ કલ્યાણ બોર્ડના સભ્ય તરીકે પણ સમાજ ઉત્થાનના અનેક કાર્યોમાં સહભાગી થયા હતા. દલિતોના ઉત્થાન માટે કસ્તુરબા ટ્રસ્ટ, હળપતિ સેવા આશ્રમ, હળપતિ સેવક સંઘની સ્થાપના કરી અને દલિત બાળકોના શિક્ષણ માટે સતત પુરુષાર્થ કર્યો હતો.


Download Our B K News Today App



Related News