માર્કેટયાર્ડમાં આજથી વેકેશન પૂરુ,વેપારીઓ મુહૂર્ત કરી પેઢી ખોલશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-01 12:40:57
  • Views : 318
  • Modified Date : 2019-11-01 12:40:57

આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ છે.અને તેની સાથે જ દિવાળીના તહેવારોની સમાપ્તિ થશે. લાભ પાંચમ સાથે પાલનપુર ડીસાની મુખ્ય બજારો માર્કેટયાર્ડ તેમજ દૂકાનો પૂર્વવત્ ધમધમવા લાગશે. કારકતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ પાંચમ કહેવામાં આવે છે.વેપારીઓ હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે છે.આ અંગે પાલનપુરના શાસ્ત્રી કૃષ્ણકાંત વ્યાસે જણાવ્યું હતું કે " લાભ પાંચમથી દેવોની દિવાળી દેવદિવાળીના સત્રની પણ શરૃઆત થાય છે. લાભ પાંચમના એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આદિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર શુભ , લાભ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ''શ્રી સવા'' લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે.આજે પાલનપુરમાં જ્ઞાન પંચમીની ઉજવણી કરાશે.હિન્દુ અને જૈન આ બંને ધર્મની પરંપરાઓમાં લાભ પંચમીની અધિષ્ઠાત્રી દેવી શારદા (લક્ષ્મી અને સરસ્વતી) મનાય છે. વૈદિક ધર્મની લાભ પાંચમ જૈન ધર્મમાં જ્ઞાન પંચમી બની રહી છે. જ્ઞાન પંચમીની દેવી સરસ્વતી છે. જ્ઞાાનની ઉપાસના, જ્ઞાનના સંવર્ધન અને જ્ઞાનના દાન માટે જ્ઞાન પંચમીનો તહેવાર છે. આ દિવસે જૈન ધર્મના ગણધરોએ સંકલિત કહેલા આગમ ગ્રંથોનું વાંચન-શ્રવણ-લેખન થાય છે. જૈન સંઘના ઉપાશ્રયમાં જ્ઞાન તથા જ્ઞાનના ઉપકરણોનું પ્રદર્શન જ્ઞાાન પૂજા અર્થે ગોઠવવામાં આવે છે.અહીં પ્રતિક્રમણ, દેવવંદન, મા સરસ્વતી દેવીના પાઠ અને વ્યાખ્યાન કરાશે.ગ્રંથો, બારસા સૂત્ર, આગમ વગેરે મૂકીને ધૂપ, વાસક્ષેપથી પૂજન કરાશે.

Download Our B K News Today App



Related News