મનપાના 17 વોર્ડ ઓફિસરને કારની લહાણી, દર મહિને 5.10 લાખનો ખર્ચ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 10:44:49
  • Views : 235
  • Modified Date : 2021-03-10 10:44:49

    સરકારી કચેરીઓમાં કોરોનાના પગલે ખર્ચ પર કાપ મૂકવાની રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચના હોવા છતાં મનપાએ પોતાના ખોટા ખર્ચા બંધ કર્યા નથી. વોર્ડ ઓફિસરોને મ્યુનિ. કમિશનરે કારની ફાળવણી કરી છે. કાર આપવા પાછળનો મુખ્ય હેતુ જાહેર માર્ગો પર થતા દબાણો ન થાય, કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગ સામાન્ય લોકો માટે ખુલ્લા રહે, શહેરમાં ગંદકી ન થાય સહિતના સુપરવિઝનની કામગીરીનો હતો, પરંતુ આ તમામ સમસ્યા તમામ વોર્ડમાં હજુ પણ પહેલા હતી તે મુજબ જ છે. ફેર માત્ર મનપાની તિજોરી પર વધારાના બોજનો પડ્યો છે. પહેલા રૂ.2000નો પેટ્રોલ એલાઉન્સ પાછળ મનપાને ખર્ચ થતો તે હવે મહિને રૂ.30 હજારનો ખર્ચ થઇ રહ્યો છે.

    રાજકોટ મહાનગરપાલિકાને કોરોના સમયમાં અપેક્ષા કરતા આવકમાં મોટું ગાબડું પડ્યું છે. આમ છતાં અનેક ખોટા ખર્ચાઓ હજુ પણ ચાલુ રહ્યા છે. કોરોનાના પગલે રાજ્યના નાણાં વિભાગે ખોટા ખર્ચાઓ બંધ કરવા પરિપત્ર પણ કર્યો છે, પરંતુ મનપાએ તેના ખર્ચ પર કોઇ કાપ મુક્યો નથી. વોર્ડ ઓફિસરોને મનપાએ કાર આપી છે. અગાઉ આ ઓફિસરોને 2000 રૂપિયા પેટ્રોલ એલાઉન્સ આપવામાં આવતું હતું. કાર આપ્યા બાદ મનપાને એક અધિકારી પાછળ મહિને 30 હજારથી વધુ રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. વોર્ડ ઓફિસર કક્ષાના અધિકારીઓને કાર આપી દેવાના પગલે મનપાને મહિને લાખો રૂપિયાનો ખોટા ખર્ચ થઇ રહ્યા છે.

    રાજકોટ મહાનગરપાલિકા અથવા કોઇ પણ સરકારી કચેરીમાં જ્યારે પણ કોન્ટ્રાક્ટ પર કાર લેવામાં આવે ત્યારે તે કાર ટેક્સી પાસિંગની હોવી જોઇએ તેવો નિયમ છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ વોર્ડ ઓફિસર તેમજ અન્ય વિભાગમાં કાર આપી છે તેમાં અનેક કાર ટેક્સી પાસિંગના બદલે ખાનગી પાસિંગનો ઉપયોગ થાય છે. આ અંગે મનપાના વર્કશોપ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ટેક્સી પાસિંગની કાર હોવી જોઇએ પણ અમુક કાર ખાનગી પાસિંગની પણ છે.

    રાજકોટ શહેરમાં કાર્બન ઉત્સર્જન અટકાવવા માટે મહાનગરપાલિકા આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક કાર ભાડે રાખશે. હાલ રાજકોટ મનપાને ડીઝલ અથવા પેટ્રોલથી ચાલતી કાર કોન્ટ્રાક્ટર્સ પૂરી પાડી રહ્યા છે. રાજકોટ મનપામાં 100થી વધુ કાર કોન્ટ્રાક્ટર્સ પૂરી પાડી રહ્યા છે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલ જે ભાવે કોન્ટ્રાક્ટર્સ કાર આપી રહ્યા છે તે જ ભાવે ઇલેક્ટ્રિક કાર આપવા માટે એક એજન્સીએ તૈયારી દર્શાવી છે.

    જુદી જુદી કામગીરી કે જે સીધી શહેરીજનો સાથે સંકળાયેલી છે, સ્વચ્છતા, માર્ગો પર થતા દબાણો દૂર કરવા, ટી.પી.ના પ્લોટ પર નજર રાખવા, વોર્ડનું સુપરવિઝન સહિતની કામગીરી તેમજ કોરોનાની કામગીરી પણ વોર્ડ એાફિસરો અને એન્જિનિયર્સને કરવાની હોય છે. આ કામગીરી માટે તેમને કારની ફાળવણી કરવામાં આવી છે. વોર્ડ ઓફિસર બાઇક પર જાઇ તો મનપાની છબી કેવી લાગે તેથી કાર આપી છે. > ઉદિત અગ્રવાલ, કમિશનર રાજકોટ મનપા


Download Our B K News Today App



Related News