૫ હજાર પશુઓ સાથે માલધારીઓ બનાસકાંઠામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 11:01:08
  • Views : 442
  • Modified Date : 2019-05-12 11:01:08

ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ ઉનાળો તેના આકરા મિજાજનો પરિચય આપી રહ્યો છે. કચ્છ અને રાજસ્થાનમાં વસતા માલધારીઓને પોતાના માલઢોર સાથે જીવવું વસમું બન્યું છે. પાણી અને ઘાસ ચારાની તંગીના કારણે હવે હિજરત કરવાની ફરજ પડી છે. હાલમાં આવા માલધારીઓ તેમના પશુઓ સાથે હિજરત કરી આમ તેમ ભટકી તેમનું અને પશુઓનું જીવન ગુજારી રહ્યા છે   ગયા ચોમાસામાં વરસેલા અપૂરતા વરસાદે સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનના પશુપાલકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધાં છે. ચોમાસા બાદ શિયાળાના દિવસો તો જેમ તેમ પસાર થયાં પરંતુ હવે ઉનાળામાં આ માલધારીઓને પોતાના માલઢોર સાથે જીવવું દુષ્કર બની રહ્યું છે. કચ્છ અને રાજસ્થાનમાં હાલના ઉનાળામાં ક્યાંય લીલું તો ઠીક  સૂકાં ઘાસનું તણખલું પણ જોવાં મળતું નથી. આ સ્થિતિમાં  માલધારીઓમાં પશુઓ માટે ઘાસચારાની અને પાણીની ચિંતા પેઠી છે. ત્યારે ઘાસચારો અને પાણી ની શોધમાં ૪૦ જેટલાં માલધારી પરિવારો પોતાના ૫૦૦૦ જેટલા માલઢોર સાથે બનાસકાંઠા માં આવી પહોંચ્યા છે.  રાજસ્થાનથી પોતાના પશુઓ સાથે માલધારીઓ હિજરત કરી બનાસકાંઠામાં વસવાટ કરી રહ્યા છે. માલધારીઓ હવે
માંડ-માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે. એક તરફ અપૂરતો વરસાદ અને ઘાસચારો અને બીજી તરફ પાલતું માલઢોરના ભૂખ-તરસના નિસાસા. આ બધાં વચ્ચે કેટલા પશુઓ સાથે તેઓ પોતાના ઘરે પરત ફરશે તે પણ તેઓને ખબર નથી. બનાસકાંઠાના ડીસા આજુબાજુમાં હિજરત કરી આવેલા માલધારીઓ તેમના પરિવાર સાથે ખુલ્લાં આકાશ અને નીચે ધરતી વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે. જો રાજસ્થાનમાં સરકાર દ્વારા આવા માલધારીઓને થોડી પણ ઘાસચારો, પાણીની   સહાય  આપવામાં આવી હોત તો કદાચ આ માલધારીઓને પોતાના ઘરબાર છોડી હિજરત કરવાની ફરજ ના પાડી હોત.
બોક્ષઃ- પોતાના બાળકો, સ્ત્રીઓ સાથે ધોમધખતા તાપમાં દિવસ રાત ગુજારવી એ ખુબજ અસહ્ય પરિસ્થિતિ હોય છે. પરંતુ પોતાના જીવથી પણ વધારે વહાલા પશુઓ માટે હિજરત કરવું પડે તે પણ સરકારની નામોશી સમાન બાબત છે. ત્યારે હાલ તો પોતાના અસ્તિત્વ માટે હિજરત એ જ માલધારીઓ તેમના અને પશુઓ માટે કલ્યાણ કારી બાબત હોવાનું માની રહ્યા છે.

Download Our B K News Today App



Related News