પાકિસ્તાનમાં મોટી આતંકવાદી પ્રવૃત્તિ નિષ્ફળ બનાવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-07 15:45:36
  • Views : 435
  • Modified Date : 2023-01-07 15:45:36

પાકિસ્તાનના વજીરિસ્તાન પ્રાંતના વાનામાં આતંકવાદીઓ વિરૂદ્ધ કરવામાં આવેલા ઓપરેશનમાં સુરક્ષા દળોએ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના મુખ્ય કમાન્ડર સહિત 11 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
સ્થાનિક અખબારે અહેવાલ આપ્યો હતો કે, વાનામાં એક ગુપ્તચર કાર્યવાહીમાં, સુરક્ષા દળોએ ટીટીપી આતંકવાદીઓના છુપાયેલા સ્થળો પર હુમલો કર્યો હતો અને તેના કમાન્ડર હફીઝુલ્લાહ સહિત ઓછામાં ઓછા 11 આતંકવાદીઓને મારી નાખ્યા હતા.
ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર) એ ગુરૂવારે સાંજે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓપરેશનને કારણે એક મોટી આતંકવાદી પ્રવૃત્તિને નિષ્ફળ બનાવવામાં આવી હતી. સેનાએ જણાવ્યું હતું કે,  માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે.
આ આતંકવાદીઓ સુરક્ષા દળો સામેની પ્રવૃત્તિઓમાં સક્રિય પણે સામેલ હતા અને જિલ્લામાં પોલીસ કર્મીઓને મારી રહ્યા હતા. 

પાકિસ્તાનની એરફોર્સે ગુરુવારે અફઘાનિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)ના બેઝ પર એરસ્ટ્રાઈક કરી હતી. આ હવાઈ હુમલા ટીટીપીના ગઢ મનાતા નાંગરહાર રાજ્યના સલાલા ગુશ્તા શહેરમાં કરવામાં આવ્યા હતા. બીજી બાજુ સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ એરસ્ટ્રાઈકમાં એક ડેરી પર કામ કરવાવાળા ચાર સામાન્ય નાગરિકના પણ મોત થયા છે. જેમાં એક બાળક સામેલ છે. ત્યારે હજુ સુધી પાકિસ્તાની સેના કે અફઘાનિસ્તાનની તાલિબાન શાસને આ મામલે કંઈ પણ જણાવ્યું નથી.

સોશિયલ મીડિયા પરથી મળતી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન એરફોર્સના ફાઈટર જેટ્સે એક જ દિવસમાં બે વખત અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી. પહેલો હુમલો ગુરૂવારે વહેલી સવારે અને બીજો સવારે 11 વાગ્યાની આસપાસ કરાયો. આ દરમિયાન ફાયરિંગ નથી થયું, ફક્ત ઉંચાઈ પરથી બોમ્બમારો કરાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટીટીપીને લઈ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખતરનાક રૂપ લઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે ડૂરંડ લાઈન પર તમામ એન્ટ્રી અને એગ્ઝિટ પોઈન્ટ્સને બંધ કરવામાં આવ્યા છે. હાલત એવી છે કે બે મહિનામાં બંને દેશો વચ્ચેના ફાયરિંગમાં 16 જેટલા પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે. ત્યારે પાકિસ્તાન સરકાર હુમલા માટે ટીટીપીને જવાબદાર ગણાવે છે.

Download Our B K News Today App



Related News