વડોદરામાં અગરબત્તી મેન્યુફેક્ચરીંગ કંપનીમાં જોરદાર આગ ફાટી નીકળી, ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 11:48:08
  • Views : 235
  • Modified Date : 2021-03-24 11:48:08

     વડોદરા શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી અગરબત્તી બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની 15 ગાડી દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

     મળેલી માહિતી પ્રમાણે, મકરપુરા જીઆઈડીસીમાં આવેલી શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીમાં સવારે ચાર વાગ્યાના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના બનાવની જાણ મકરપુરા જીઆઇડીસી ફાયરબ્રિગેડને થતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ ઉપર પહોંચેલા લાશ્કરોએ આગનું વિકરાળ સ્વરૂપ જોઈ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. તે બાદ વડોદરા શહેરના તમામ ફાયર સ્ટેશનોમાંથી 15 પાણીના બંબાઓ રવાના કરવામાં આવ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસરો સહિત 35 જેટલા લાશ્કરો કામે લાગ્યા હતા.

     ફાયર બ્રિગેડમાંથી મળેલી માહિતી પ્રમાણે મકરપુરા જીઆઇડીસી માં આવેલ 730 નંબરના પ્લોટ સ્થિત પૂજા એન્જિનીયરિંગ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. જે આગ પ્રસરીને બાજુમાં આવેલ અગરબત્તીનું ઉત્પાદન કરતી શ્રીજી અગરબત્તી વર્ક્સમાં લાગી હતી. અગરબત્તીની કંપની હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગગનચુંબી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટાથી મકરપુરા જીઆઈડીસીમાં ચકચાર મચી ગઇ હતી. આગના બનાવની જાણ જીઇબી ને કરવામાં આવતા જીઇબીની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તે સાથે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જઇ આગની કામગીરી માં જોડાયો હતો.

     મકરપુરા જીઆઈડીસીમાં વહેલી સવારે લાગેલી આગનુ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ કહેવાય છે કે શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું અનુમાન છે. આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. જોકે છેલ્લા 5 કલાકથી ચાલી રહેલી આગ હજુ સુધી કાબૂમાં આવી ન હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા આગને બુઝાવવા માટે સતત પાણી મારો અને ફમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે સાથે ફાયરબ્રિગેડ દ્વારા અત્યાધુનિક ઉપકરણોની પણ મદદ લઈને આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


Download Our B K News Today App



Related News