વાવ વિસ્તારમાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતાં વાવડી માઇનોર કેનાલમાં એક દિ'માં બે ગાબડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-09 11:48:49
  • Views : 376
  • Modified Date : 2020-11-09 11:48:49

વાવ તાલુકાના વાવડી વિસ્તારમાં નર્મદાની માઇનોર કેનાલ આવેલી છે. આ કેનાલમાં વિભાગ દ્વારા પાણી છોડાતા કેનાલ ઓવરફલો થઇ ગઇ હતી. જેના કારણે
આજુબાજુ આવેલા ખેતરોમાં
પાણી ફરી વળતા ખેડૂતોએ વાવેતર કરેલ દાડમ, જીરું અને રાયડાના પાકમાં વ્યાપક નુકશાન થયું છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનો ખેડૂતો ભોગ બની રહ્યા છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કેનાલમાં ગાબડું
પડવાનો સિલસિલો યથાવત્‌ છે. ગઈકાલે નર્મદા વિભાગ દ્વારા રવી સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે કેનાલમાં પાણી છોડાયું હતું.
પરંતુ હલકી ગુણવત્તાવાળી કેનાલના કારણે પાણી છોડતાની સાથે જ કાગળના
પત્તાની જેમ કેનાલ તૂટવા લાગી છે. પાણી છોડતા જ વાવના વાવડી પાસે માઇનોર કેનાલમાં એકજ દિવસમાં બે જગ્યાએ ગાબડા પડ્યા છે. જ્યારે અન્ય બે જગ્યાએ કેનાલમાથી પાણી ઓવરફ્લો થતા પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. અને જીરુ, દાડમ અને રાયડા જેવો પાક નુકસાનગ્રસ્ત થતા ખેડૂતોને લાખો રૂપિયાનો નુકસાન થવા પામ્યું છે. કોરોના મહામારીમાં એક તરફ ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે અધિકારીઓની બેદરકારીને કારણે કેનાલમાં ગાબડાં પડતાં ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે.
સરકારે સરહદી વિસ્તારમાં રહેતા ખેડૂતોને
પણ સિંચાઈ માટે પાણી મળી રહે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે માટે કરોડો
રૂપિયાના ખર્ચે કેનાલ બનાવી છે. પરંતુ હવે આ જ કેનાલ ખેડૂતો માટે અભિશાપરૂપ સાબિત થઇ રહી છે. આ માટે સ્થાનિક ખેડૂતોએ વાવ અને થરાદના ધારાસભ્યએ અનેકવાર રજૂઆત કરી છે.  મુખ્યમંત્રી અને લોકાયુક્તમાં ફરિયાદ પણ કરી છે પરંતુ હજુ સુધી આ મામલે કોઇ જ કાર્યવાહી ન થતા ખેડૂતોને આજે પણ નુકસાન વેઠવું પડી રહ્યું છે. તેમજ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનો ભોગ નિર્દોષ ખેડૂતો બની રહ્યા છે. ત્યારે હવે આ કેનાલના ગાબડાઓમાંથી સરહદી વિસ્તારના ખેડૂતોને ક્યારે મુક્તિ મળશે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News