મહેસાણા જિલ્લામાંથી તીડ બનાસકાંઠા જિલ્લામાં પરત ગયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-24 13:33:38
  • Views : 1849
  • Modified Date : 2019-12-24 13:33:38

બનાસકાંઠામાં આતંક મચાવી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના કેટલાક ગામોમાં ત્રાટકેલાં તીડ સોમવારે સવારે ફરીથી બનાસકાંઠા તરફ જતાં  હાલપૂરતી તંત્ર અને ખેડૂતોને રાહત થઈ છે. જોકે હજુપણ તંત્રની ટીમો સરહદી વિસ્તારમાં તૈનાત છે તો ખેડૂતો પણ પાક બચાવવા દિવસભર સતર્ક જોવા મળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા પંથકમાં તીડના આક્રમણથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. આમ વિવિધ વિસ્તારોમાં તીડના આક્રમણથી ખેડૂતોને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે રવિવારે સવારે બનાસકાંઠા પંથકમાંથી તીડોનું એક ઝૂંડ મહેસાણા જિલ્લામાં પ્રવેશ્યું હતું. જેમાં સતલાસણા તાલુકાના ઉમરી, ચેલાણા, ખારી, તાલેગઢ સહિત ગામોની સીમમાં તીડના ઝૂંડે આક્રમણ કરતાં ખેડૂતો અને અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ખેડૂતો પોતાના ખેતરમાં ઊભા પાકને બચાવવા અને તીડોને ભગાડવા થાળીઓ ખખડાવવી, ઢોલ વગાડવા ઉપરાંત લીમડા સહિતના ધુમાડા કરવામાં લાગી ગયા હતા. ખેડૂત પરિવારોના બાળકો પણ શાળાએ જવાના બદલે ખેતરમાં તીડ ભગાવવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા.મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગની પાંચ ટીમો પણ આ પંથકમાં પહોંચી હતી અને ખેડૂતોને તીડ ભગાડવા અંગે માહિતગાર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. રવિવારે રાત્રે ચેલાણા, ખારી, ઉમરેચા સહિતના વિસ્તારોમાં તીડનાં ઝૂંડ ઉતરતાં પાલનપુરની તીડ નિયંત્રણ બોર્ડની ટીમોએ સોમવારે સવારે દવાનો છંટકાવ કર્યો હતો. જો કે, બપોરે ૧૧ વાગ્યા બાદ સતલાસણા પંથકમાંથી તીડ બનાસકાંઠા જિલ્લામાં ૨૦ કિમી જેટલા અંદર ગયા હોવાનું ખેતીવાડી વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું. તીડનું ટોળું બનાસકાંઠા જિલ્લામાં પરત ગયું છે પરંતુ ગમે ત્યારે પરત ફરવાની પણ સંભાવના હોઈ સતલાસણાના સરહદી વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની ટીમો તૈનાત કરાઈ છે. ઉપરાંત ખેડૂતો પણ પોતાનો મહામુલો પાક બચાવવા સતર્ક છે. મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ શિલાબેન પટેલે રવિવારે જ અધિકારીઓને તીડ નિયંત્રણ માટેની યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી અને નુકશાન અંગે કાર્યવાહી કરવા સરકારમાં રજૂઆત કરી છે.

Download Our B K News Today App



Related News