ભારતીબાપુ બ્રહ્મલીન થયા, PM, CM સહિતના રાજકીય અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી, પાર્થિવદેહને જુનાગઢ ભારતી આશ્રમમાં સમાધિ અપાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-11 13:02:39
  • Views : 288
  • Modified Date : 2021-04-11 13:02:39

    ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીમહારાજ મધ્યરાતે 2:30 કલાકે નાદુરસ્ત તબિયત હોવાને કારણે બ્રહ્મલીન થયા છે. સવારે 8:30થી 9:30 એટલે કે એક કલાક સુધી ભક્તોને સરખેજના ભારતી આશ્રમમાં તેમના અંતિમ દર્શનનો લાભ મળ્યો હતો. ત્યારબાદ તેમના નશ્વરદેહને જુનાગઢના ભારતી આશ્રમ ખાતે લઈ જવાયા છે. જ્યાં તેમને સમાધિ આપવામાં આવશે.

    સરખેજ ભારતી આશ્રમ તેમજ જુનાગઢ ભવનાથ ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતીબાપુ 93 વર્ષની વયે ગઈકાલ મોડી રાત્રે 2: 30 કલાકે બ્રહ્મલીન થયા છે.મહામંડલેશ્વર ભારતીબાપુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટનો સંબંધ ધરાવતા હતા. તેમજ સમગ્ર ભારતના સાધુ સમાજમાં પણ તેમનુ ખુબ જ નામ હતું. ભવનાથ તમામ સાધુ સમાજના અખાડામાં પણ તેઓ પૂજનીય સંત તરીકે પૂજાતા હતા. છેલ્લે 1 મહિના પહેલા મહાશિવરાત્રી પર્વ ઉપર રાત્રિના નાગા બાવાની રવેળીમાં દર્શન આપ્યા હતા. તેમનો જન્મદિવસ સરખેજ ખાતે ઉજવવામાં આવ્યો હતો.

    મહામંડલેશ્વર 1008 ભારતીબાપુ બ્રહ્મલીન થયા છે ત્યારે સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ દુઃખની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ભારતી બાપુની સાથે અમારે છેલ્લાં 50 વર્ષથી અખંડ સંબંધો રહેલા છે. તેમણે સમાજ માટે અનેક કાર્યો કરેલા છે અને ગુજરાતને વ્યસન મુક્ત બનાવવા માટે ભગીરથ ફાળો આપ્યો છે તેમના બ્રહ્મલીન થવાથી ગુજરાતના સાધુ સમાજને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. આપણે સૌ કોઈ તેમના જીવનમાંથી પ્રેરણા લઇએ અને જન સમાજની સેવા કરવામાં વધુ ને વધુ જોડાઈએ આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમના આત્માને વધુ ને વધુ શાંતિ અર્પે.

    ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો.4 જાન્યુઆરી 1965ના દિવસે તેમની દિગંબર દીક્ષા કરાઈ હતી. ત્યારબાદ 21 મે 1971ના રોજ અમદાવાદ ખાતે ભારતી આશ્રમની સ્થાપના કરી હતી તેમજ 1992માં મહામંડલેશ્વર બન્યા હતા. ભારતીબાપુએ પુરષોત્તમ લાલજી મહારાજના વ્યસન મુક્તિના સંદેશ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં કામ કર્યું. ભારતીબાપુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા.​​​​​​​  ભારતીબાપુ સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાં આર્યુવેદ દવાઓનું ઔષધાલય ચલાવતા હતા. અહીં દર્દીઓને મફતમાં સારવાર તેમજ દવાઓ પણ આપવામાં આવતી હતી. ભારતી આશ્રમ સ્વયસંચાલીત ગુરુકુળ પણ ધરાવે છે જેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ઉચ્ચશિક્ષણ આપવામાં મદદરૂમ બને છે. ભારતી આશ્રમમાં તમામ તહેવારો ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.


Download Our B K News Today App



Related News