મહાદેવનું ગામ મહાદેવિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 12:05:36
  • Views : 481
  • Modified Date : 2020-07-26 12:05:36

દરેક ગામનો કોઈને કોઈ ઇતિહાસ હોય છે અને તેના ઈતિહાસના આધારે જ તે ગામનું નામ પડેલું હોય છે. ત્યારે ડીસા નજીક એક એવું ગામ આવેલું છે તેનું નામ મહાદેવ પરથી પડ્યું છે.  
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ ગામની સાથે સાથે આ ગામમાં આવેલા સદીયો જૂના પ્રાચીન મહાદેવના દર્શન કરાવીશું.
 બનાસકાંઠા જિલ્લામાંથી વહેતી બનાસ નદીના રમણીય તટ પર મહાદેવિયા ગામ વસેલું છે.  આમ તો આ ગામનો ઇતિહાસ ત્રણસોથી ચારસો વર્ષ જૂનો જ છે. પરંતુ આ ગામનું નામ અહી આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના કારણે પડ્યું છે. વર્ષો પહેલા જ્યારે લોકો અહી વસવા માટે આવ્યા ત્યારે અહિયાં ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું.  અને લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહી મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યુ અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું.  ડીસા તાલુકાનાં મહાદેવિયા ગામમાં આવેલા આ મહાદેવના મંદિરનું  નામ સોનેશ્વર મહાદેવ છે. સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ સાતસો વર્ષ જૂનું મંદિર છે. કહેવાય છે કે સદીયો પહેલા અહી સાધુ સંતો આપણાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતાં એટલે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મુક્તા હતા. તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતાં આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું. બનાસ નદીને રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના ઇતિહાસ અંગે મહાદેવિયા ગામના આગેવાન જણાવી રહ્યા છે કે બનાસ નદીને તટ
પર વસેલા આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે અને શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીને રિજવવા માટે શિવાલયની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે.
ડીસા નજીક આવેલા મહાદેવિયા ગામના સોનેશ્વર મહાદેવ ખાતે પૂજા કરતાં
પૂજારીએ આ પૌરાણિક મદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યુ હતું કે આ
પૌરાણિક મંદિરમાં ભક્તો શિવજીના દર્શન કરવા આવે છે અને અહી શિવાલયમાં મીઠું, રીંગણ ચઢાવવામાં આવે છે. અહી શ્રાવણ માસ દરમ્યાન શિવાલયમાં આવેલા શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે.
બનાસ નદીના તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરના રમણીય વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે જોકે હાલ કોરના વાઇરસની મહામારી વિશ્વભરમાં ચાલી રહી છે તે ધ્યાનમાં લઇને હાલમાં અહીં ટ્રસ્ટ દ્વારા ભીડ ભાડ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે માટે આ વખતે શ્રાવણ મહિનામાં અહીં દર્શનાર્થે આવતા ભક્તો સોશિયલ ડિસ્ટનસ સાથે અને માસ્ક પહેરી સંપૂર્ણ તકેદારી રાખીને પૂજા અર્ચના કરી રહ્યા છે અને અહીં આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.
કોઈ ગામનું નામ શિવજી પરથી પાડવામાં આવ્યું હોય તેવું આ બનાસકાંઠા જિલ્લામાં એકમાત્ર ગામ છે કે જેનું નામ મહાદેવના નામથી મહાદેવીયા પડ્યું છે. સદીયો વીતી ગઈ છતાં આજેય પણ આ ધાર્મિક સ્થળનો મહિમા અકબંધ છે.

Download Our B K News Today App



Related News