અમીરગઢ તાલુકાના ડાભેલા ગામથી ચાર કિ.મી.દૂર આવેલા ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન નીલકંઠ મહાદેવનો અનેરો મહિમા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 12:04:36
  • Views : 544
  • Modified Date : 2019-08-27 12:04:36

હિંદુ ધર્મના અતિ પવિત્ર, ધાર્મિક તેમજ આધ્યાત્મિક રીતે જેનું શિવભક્તો માટે વિશેષ મહ¥વ રહેલું છે જે શિવઉપાસકો માટે શિવમય બની જાય છે એવી શક્તિ, ભક્તિ, અને આસ્થાનો પવિત્ર ત્રિવેણી સંગમ એટલે શ્રાવણ માસ.. સમગ્ર ભારતભરમાં શ્રાવણ માસ દરમિયાન ઠેર ઠેર આવેલા શિવમંદિરો તેમજ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જામે છે અને સમગ્ર શિવભક્તો  ભક્તિના રંગે રંગાઈ જાય છે.
હજારો વર્ષ પહેલાં ગુજરાત રાજ્યની સરહદે રાજસ્થાનની સીમાને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢને અડીને આવેલા ડાભેલા ગામથી ચારેક કિમીની અંતરે ચોટીલા નામની અરવલ્લીની ગિરિમાળામાં સ્થાપિત નીલકંઠ મહાદેવનું શિવલીંગ પોતાની પ્રાચીનતા અને સૌન્દર્યતાને કારણે વિશેષ મહત્વ ધરાવે છે. અહીંયા શ્રાવણ માસ દરમિયાન ગુજરાત તેમજ રાજસ્થાનના શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ઘટાદાર જંગલ અને વરસાદી ઋતુમાં   ઝરણાંથી આ પવિત્ર સ્થાન ખીલી ઉઠે છે. અહિયાં મંદિરની બાજુમાં એક પાણીનો કુંડ આવેલો છે. સ્થાનિકોનું કહેવું છે કે આજ સુધી આ કુંડમાં ગમે તેવા દુષ્કાળમાં પણ  સૂકાયું નથી. જેને લોકો  ભગવાન શિવનો સાક્ષાત્કાર માને છે. એવા નીલકંઠ મહાદેવના શિવલીંગની પ્રાચીનતા વિશે પાંચસોથી વધુ વર્ષોથી અહીંના સ્થાયી દરબાર તેમજ ભીલ જાતિના લોકોને પણ ખબર નથી કે આ શિવલીંગની સ્થાપના કોણે અને ક્યારે કરી હશે..! પરંતુ નવા મંદિરના નિર્માણ વખતમાં પાયાના ખોદકામમાંથી નીકળેલી દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ ઉપરથી સાબિત થાય છે કે મુસ્લિમ આક્રમણકારોએ એ વખતમાં આ મંદિરને પણ ખંડિત કરી લૂંટ ચલાવી હશે.
આજથી પંદરેક વર્ષ પહેલાં માત્ર શિવલીંગ હતું. જેના માથે કાચી દેરી બનાવેલી હતી. બાદમાં આ જગ્યાએ ડાભેલા ગામના દરબાર ભરતસિંહની આગેવાનીમાં આજુ બાજુના ગામના શિવભક્તોને સાથે રાખી લોકફાળા દ્વારા નવીન મંદિરનું નિર્માણ કર્યુ. અહીંયા એક સરસ ધર્મશાળા પણ બંધાવી છે. તેમજ વીજળી અને મંદિર સુધી શ્રધ્ધાળુઓને આવવા જવાની કોઈ તકલીફ ના પડે તેના માટે સહજ રીતે સાધન દ્વારા અવર-જવર કરી શકાય તેવી રીતે કાચા રસ્તાનું પણ કામ કરવામાં આવ્યું છે.  આ પવિત્ર અને પૌરાણિક ધામમાં શ્રાવણ માસ દરમિયાન દર્શન માટે આવતા જતાં હજારો શ્રદ્ધાળુઓ માટે પરમ શિવ ઉપાસક ડાભેલા ગામના દરબાર ભરતસિંહ દ્વારા છેલ્લાં બાર વર્ષથી સદાવ્રત ચલાવી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જે ખરેખર પ્રશંસનીય છે.
આ જગ્યાએ આખા શ્રાવણ માસ દરમિયાન ગુજરાત તેમજ રાજસ્થાનના હજારો શિવભક્તો આવી નીલકંઠ મહાદેવના દર્શન કરી હર હર મહાદેવના જયઘોષ સાથે દેવાધિદેવના આશીર્વાદ મેળવે છે.

Download Our B K News Today App



Related News