અંબાજી મહામેળો સોળે કળાએ જામ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-12 13:06:09
  • Views : 373
  • Modified Date : 2019-09-12 13:06:09

કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી મુકામે ભાદરવી મહામેળો સોળે કળાએ જામ્યો છે. અંબાજીમાં દિવસ-રાત લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટી રહ્યા છે. માતાજી ઉપરની વિરાટ શ્રધ્ધાના લીધે યાત્રિકો થાક કે વરસાદની પરવા વિના ઉત્સાહભેર અંબાજી પહોંચી રહ્યા છે.  
ઉલ્લેખનીય છે કે, માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઇભક્તો દૂરદૂરથી ચાલતા આવે છે. આ વરસે પણ લાખો શ્રધ્ધાળુઓ દૂરદૂરથી અંબાજી આવી રહ્યા છે.
બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન  સંદિપ સાંગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા અને મેળામાં દોડતી મોટાભાગની એસ.ટી.બસો નવિન જોઇને યાત્રિકોને આનંદ થયો છે. કલેકટરના આ અભિગમની લોકોએ સરાહના કરી છે. અંબાજીમાં ઉમટતા લાખો માઇભક્તોને પરત ઘેર જવામાં સરળતા રહે તે માટે એસ.ટી. તંત્ર દ્વારા ૧૧૦૦ જેટલી બસો ચલાવવામાં આવે છે. આવી સરસ સુવિધાને લીધે યાત્રિકો કાયમી સંભારણા સાથે પોતાને વતન સરળતાથી પાછા ફરી રહ્યા છે. મંદિર પરિસરમાં દર્શન માટે બે રેલીંગની સરસ સુવિધાઓ હોવાથી યાત્રિકોને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડતું નથી.
ગબ્બર મુકામે પણ યાત્રિકોની વિશાળ સંખ્યા જોવા મળે છે. માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર મુકામે નિર્માણ કરવામાં આવેલ ૫૧ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો એક જ સ્થળે મળે છે જેનાથી માઇભક્તો ધન્ય બની રહ્યા છે.

Download Our B K News Today App



Related News