આજથી માઇભક્તો માટે મા અંબાના દ્વાર ખુલ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-12 11:59:50
  • Views : 432
  • Modified Date : 2020-06-12 11:59:50

નોવેલ કોરોના વાયરસનેWHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. જેને અનુલક્ષી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલે, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ તથા વહીવટદાર અને નાયબ કલેકટર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા દર્શન વ્યવસ્થાનું સંપૂર્ણ નિરિક્ષણ કર્યા બાદ આજથી મંદિર ખુલ્લુ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યાત્રાળુઓની સલામતી માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શનની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકો માટે દર્શનનો સમય સવારે ૭.૩૦ થી ૧૦.૪૫, બપોરે ૧.૦૦ થી ૪.૩૦, સાંજ ૭.૩૦ થી ૮.૧૫ છે. યાત્રાળુઓ તથા ગ્રામજનોને દર્શન માટે યાત્રિક પ્લાઝાની બાજુમાંથી ટોકન કાઉન્ટર પરથી ટોકન લઈને જ પ્રવેશ મેળવવાનો રહેશે. ટોકન
કાઉન્ટર ઉપર તાપમાન ચકાસણી, માસ્ક અને યાત્રિક ગણતરીની સુવિધા ઉપલબ્ધ હશે.  યાત્રાળુઓ અને ગ્રામજનોના લગેજ-પગરખાંની વ્યવસ્થા શકિતદ્વારની બહાર યાત્રિ પ્લાઝા ખાતે કરવામાં આવી છે. શકિતદ્વારની બહારની સાઈડથી જ યાત્રિ પ્લાઝા ખાતેથી દર્શન માટેની રેલીંગમાં પ્રવેશ મેળવવાનો રહેશે. અહીં પણ થર્મલ ગન દ્વારા તાપમાન ચકાસણી તેમજ હેન્ડ સેનીટાઈઝ કરી બ્લોકમાં સોશિયલ ડિસ્ટન્સીંગ રાખી રાઉન્ડમાં ઉભા રહેવાનું રહેશે. રાઉન્ડ કરેલ બ્લોકમાં એક જ યાત્રાળુને દર્શન માટે ઉભા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
શકિતદ્વાર ખાતે આરોગ્યને લગતી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આરોગ્ય સ્ટાફ દ્વારા મંદિર ખુલ્લુ હોય તે દરમ્યાન રાઉન્ડ ધી કલોક આરોગ્યને લગતી ચકાસણી કરવામાં આવશે.
શકિતદ્વારથી અંદરના ભાગે પ્રવેશ દ્વારમાં આધુનિક થર્મલ સ્કેનીંગ મશીનમાંથી યાત્રાળુઓને પ્રવેશ આપવામાં આવશે. આ મશીનમાં ઓટોમેટીક તાપમાન ચકાસણી, પ્રવેશાર્થીનો ફોટો સેવ થઈ જશે. માસ્ક સ્કેનીંગ, મેટલ ડીટેકશન તેમજ યાત્રિક ગણતરી પણ થઈ જશે. દરેક દર્શનાર્થીએ
ફરજીયાતપણે માસ્ક પહેરવાના રહેશે. શકિતદ્વારથી પિત્તળગેટ સુધી દર્શન માટેની લાઈન સીંગલ અને આશરે ૬-૦ ફુટનું અંતર જાળવી યાત્રાળુઓ ઉભા રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શોપીંગ સેન્ટરના વેપારીઓ માટે શકિતદ્વાર પાસે હેન્ડ સેનીટાઈઝર અને તાપમાન ચકાસણીની સુવિધા કરવામાં આવી છે. થર્મલ સ્કેનીંગ થયા બાદ આધુનિક ઈ-સ્ટેશનમાં બોડી સેનીટાઈઝરની સુવિધા કરવામાં આવી છે. જેમાં ફુટ સેનીટાઈઝર અને હેન્ડ સેનીટાઈઝર ઉપલબ્ધ કરેલ છે. શકિતદ્વારની બાજુમાં મહાનુભાવોની દર્શન સુવિધા ખાતે પણ હેન્ડ વોશબેશીન તેમજ ઓટોમેટીક હેન્ડ સેનીટાઈઝરની સુવિધા કરવામાં આવી છે. પિત્તળગેટ પાસે પ્રસાદી, પુજાપા તેમજ માતાજીને અર્પણ કરવા લાવેલ ફુલ, શ્રીફળ વગેરે પુજા સામગ્રી જમા કરાવવાની રહેશે. અહીં બોડી સેનીટાઈઝર ફેન તેમજ ઓટોમેટીક હેન્ડ સેનીટાઈઝર મશીન દ્વારા સેનીટાઈઝ કરવાની સુવિધા રાખવામાં આવી છે. દર્શન લાઈનમાં યાત્રાળુઓએ ઓછામાં ઓછુ ૬–૦ ફુટનું અંતર રાખવાનું રહેશે. તમામ રેલીંગ ઉપર તેમજ સમગ્ર મંદિર સંકુલમાં નિયત કરેલ સમયે મેન્યુઅલી તથા સ્પ્રે પંપ દ્વારા સેનીટાઈઝેશન કરવામાં આવશે. સભામંડપના પ્રવેશદ્વાર ઉપરપણ હેન્ડ સેનીટાઈઝેશનની સુવિધા કરવામાં આવી છે. દર્શન કરીને બહાર નીકળવાની લાઈનમાં ચાચર ચોકમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ભેટ કેન્દ્ર પ્રસાદ કેન્દ્ર, સાડી કેન્દ્ર, ગણેશજી મંદિર દર્શન,
પાવડીપુજા, યાત્રાળુઓ દ્વારા ધરાવતો રાજભોગ, ગર્ભગૃહ દર્શન, માતાજીની ગાદી દર્શન, હોમ, હવન, યજ્ઞ, થ્રીડીમુવી શો, દિવ્યદર્શન ફોટોગ્રાફી, ધજા આરોહણ, અંબિકા ભોજનાલય, આવાસગૃહો (હોલીડેહોમ, વિશ્રામગૃહ) હાલ પુરતા બંધ રાખવામાં આવ્યા છે. મંદિર પરીસરમાં યાત્રાળુઓ જોઈ શકે તેવી જગ્યાએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જનજાગૃતિ બોર્ડ, આરોગ્ય સેતુ એપની જાગૃતિ, પબ્લીક એડ્રેસીંગ સિસ્ટમ માટે ઓડીયો કલીપ દ્વારા જાગૃતિ કરવામાં આવશે. માતાજીની આરતી વખતે ભીડ થતી હોઈ આરતીના સમયગાળા દરમિયાન
શકિતદ્વારથી જ પ્રવેશ બંધ કરવામાં આવશે. આરતીમાં યાત્રાળુઓને પ્રવેશ આપવામાં આવશે નહી.  માતાજીના ચાચર ચોકમાં ગરબા, જાહેર ધાર્મિક પ્રવૃત્તિઓ કાર્યક્રમ વિગેરે કરી શકાશે નહી. શ્રી અંબાજી મંદિર પરીસરની માઈક્રો પ્લાનીંગથી વિશેષ સફાઈનું આયોજન કરેલ છે. ગબ્બર ટોચ મંદિર તથા ૫૧ શકિતપીઠ મંદિરોના દર્શનાર્થે આવતા યાત્રાળુઓએ પણ સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવીને દર્શન કરવા વિનંતી. ૫ વર્ષથી વધુ વયના તથા સર્ગભા બહેનો તેમજ ૧૦ વર્ષથી નાના બાળકો અને બિમાર યાત્રાળુઓએ હાલ પુરતા અંબાજી મંદિરના દર્શન માટે ન આવે અને ઘરે બેઠા માતાજીની પુજા અર્ચના કરે તેવી અપીલ કરાઇ છે. આ વૈશ્વિક મહામારીમાં સરકાર દ્વારા જાહેર કરેલ ગાઈડલાઈન્સનો સંપૂર્ણ અમલ કરી અને આ વૈશ્વિક મહામારીમાંથી સમગ્ર વિશ્વને મા અંબા મુકત કરે અને સમગ્ર જન સમુદાયનું રક્ષણ કરે એવી આપણે સૌ મા જગદંબાને પ્રાર્થના કરીએ તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવાયું છે.

Download Our B K News Today App



Related News