ભાભરની રૂપિયા ૧૯.૨૫ લાખની દિલધડક લૂંટનો ભેદ ઉકેલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-25 07:09:48
  • Views : 492
  • Modified Date : 2019-04-25 07:09:48

ભાભરમાં ચાર દિવસ અગાઉ થયેલી રૂપિયા ૧૯.૨૫ લાખની દિલધડક લૂંટનો ભેદ પોલીસે બુધવારે ઉકેલ્યો હતો. આ લૂંટને અંજામ આપનારા બે સગીર સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ લૂંટમાં ગયેલો મુદ્દામાલ રીકવર કર્યો હતો.ભાભરમાં ચાર દિવસ અગાઉ બનેલી લૂંટની ઘટના એવી હતી કે, ભાભર સોની બજારમાં દુકાન ધરાવતાં સગાળચંદ ધારસીભાઇ ઠક્કર તારીખ ૨૧ એપ્રિલના રોજ પોતાની દુકાનેથી ઘરે ચાલતા જતા હતા. ત્યારે બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે રૂપિયા ૧૯,૨૫,૦૦૦ના સોના- ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ અંગે વેપારીએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુલની સૂચનાથી ભાભર પીએસઆઇ એ. એસ. રબારી,  પ્રો.પી.એસ.આઇ. સી. ટી. દેસાઇ, પો.કો. સંજયસિંહ, રમેશભાઇ, પ્રધાનજી, અશોકભાઇ, ભરતભાઇ, રમેશભાઇ અને હે.કો. કલંદરખાને સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં મળેલી બાતમીના આધારે આ લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસે લૂંટને અંજામ આપનારા નવા ભાભરના વાસુભા મેરૂભા રાઠોડ અને મુકેશભાઇ મગનજી ઠાકોરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી લૂંટનો મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News