ધાનેરામાં ડાયવર્ઝનનો માર્ગ બિસ્માર ઃ લોકોનો ચક્કાજામ કરી વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 11:32:59
  • Views : 402
  • Modified Date : 2020-08-07 11:32:59

ધાનેરા શહેરમાં ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજના કામને લઈ ડાયવર્જન આપવામાં આવેલું છે. પરંતુ ડાયવર્ઝનવાળો રસ્તો પણ ખરાબ થઈ જતા અને તેનું જાહેરનામું પૂરું થતા ગ્રામજનોએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. જોકે સ્થાનિક તંત્રએ તાત્કાલિક ઘટનાસ્થળે આવી લોકોને સમજાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.
ધાનેરાના લોકોની વર્ષો જુની માંગણીને લઈ ધાનેરા શહેરમાંથી પસાર થતા રેલવે ઓવરબ્રિજને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ અહીથી પસાર થતાં માર્ગનું ડાયવર્ઝન સમારવાડા-ફતેહપુરા માર્ગ પર આપવામાં આવ્યું છે. પરંતુ ફતેહપુરા માર્ગ એકદમ બિસ્માર હાલતમાં હોવાના લીધે હજુ પણ કેટલાક વાહનો બ્રિજની બાજુમાંથી જ
 પસાર થઈ રહ્યા છે. ત્યારે ડાયવર્ઝન આપવામાં આવેલા ફતેહપુરા માર્ગ પરથી એક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું. તે દરમ્યાન ટ્રેલર પલટી ખાઈ જતા અને વારંવાર રજુઆત કરવા છતાં
પણ આ માર્ગ રીપેર ના કરતા ગુરુવારે કંટાળેલા ગ્રામજનોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક લોકો રસ્તા પર ઝાડી-ઝાંખરા નાખી ચક્કાજામ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા અમદાવાદ પછી અનેકવાર નાના-મોટા અકસ્માતો પણ થયા છે તેમ છતાં પણ તંત્ર દ્વારા આ માર્ગ રિપેર કરવામાં ન આવતા અને આ માર્ગનું જાહેરનામું પૂર્ણ થઇ જતા ગ્રામજનોએ ચક્કાજામ કરી બળાપો કાઢયો હતો.

મામલતદારે સમારકામની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો
બનાવને પગલે ધાનેરામાં મામલતદાર ભગવાનદાસ ખરાડી પણ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને બોલાવી ટ્રાફિક
પૂર્વવત કરાવ્યો હતો. કલાકો સુધી થયેલા ચક્કાજામના બાદ ટ્રાફિક ખુલ્લો થતા વાહનચાલકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે સ્થાનિક ગ્રામજનોને સમજાવી બ્રિજનું કામ જલ્દી પૂર્ણ કરાવી રોડનું સમારકામ કરાવી આપવાની બાંયધરી આપી ગ્રામજનોને સમજાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.
બ્રિજની કામગીરી ઝડપી કરવા માંગણી
ધાનેરામાં રેલવે બ્રિજનું કામકાજ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યુ છે. પરંતુ કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિના લીધે આ કામકાજ હજુ સુધી પૂરું નથી થઈ શક્યું. તેના કારણે નગરજનોને વારંવાર ટ્રાફિકજામની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારીને બ્રિજની કામગીરી ઝડપી પૂરી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News