અમીરગઢ તાલુકાના લોકો પશુની ચોરીઓની ઘટનાના મામલે લાલઘૂમ ચિંતા ઃ વિરમપુરમાં ૨૫ ગામના લોકોએ ચક્કાજામ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 10:46:47
  • Views : 419
  • Modified Date : 2020-10-07 10:46:47

ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલા વિરમપુર ગામમાં વારંવાર થતી ચોરીઓ અટકાવવા માટે ગ્રામજનોએ રસ્તો બ્લોક કરી આંદોલન શરૂ કર્યું છે. પોલીસની નિષ્ક્રિયતાના કારણે વારંવાર થતી પશુઓની ચોરીઓથી કંટાળેલા ૨૫ થી વધુ ગામના લોકો ભેગા થયા હતા. જેમાં મંગળવારે બાલારામ-અંબાજી માર્ગ બ્લોક કર્યો હતો અને ધરણા પર બેસી જઇ જ્યાં સુધી ચોરો સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી રસ્તો નહી ખોલવાની ચીમકી ઉચ્ચારી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સતત વધતી જતી ચોરીના બનાવોથી જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી તસ્કરો મકાન અને વાહનનોની ચોરીઓ કરતા હતા. પરંતુ હવે તસ્કરોએ
પશુઓની પણ ચોરી કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી લોકોને રસ્તા માટે, જમીન માટે, સહાય માટે લોકોના રસ્તા રોકો આંદોલન જોયા હશે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં મંગળવારે વારંવાર પશુઓની ચોરીઓ અટકાવવા માટે રસ્તા રોકો
આંદોલન થયું હતું. અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં વારંવાર થતી ચોરીઓને અટકાવવા માટે ગ્રામજનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. વિરમપુર તેમજ
આજુબાજુના ૨૫ જેટલા ગામની અંદર છેલ્લા એક વર્ષમાં અનેક પશુઓની ચોરી થઈ છે. જે મામલે સ્થાનિક લોકોએ ફરિયાદો પણ આપી છે તેમ છતાં પણ પોલીસની નિષ્ક્રિયતાના કારણે ચોરો બેફામ બની એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. ગ્રામજનોનું માનીએ તો એક મહિનામાં પાંચથી છ ચોરીઓ થાય છે. જે માટે તેઓએ અનેકવાર ફરિયાદો નોંધાવી છે તેમ છતાં ચોરો સામે કડક કાર્યવાહી ન થવાના કારણે ચોરીનો સિલસિલો અટકતો જ નથી. જેથી હવે ગ્રામજનો
પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા છે. આ વિસ્તારમાં મોટાભાગના લોકો પશુપાલન પર નભી રહ્યા છે અને પશુપાલન જ એકમાત્ર આવકનો સ્ત્રોત થવાના કારણે પશુઓની ચોરી થતા અહીના લોકોની હાલત કફોડી બની છે. ચોરીઓની ઘટનાઓથી કંટાળેલા લોકોએ હવે પોલીસની નિષ્ક્રિયતા સામે ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો છે અને રસ્તો બ્લોક કરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. બાલારામ-અંબાજી રોડ પર વિરમપુર ગામે રસ્તો બ્લોક કરી ગ્રામજનો રસ્તા પર જ ધરણા
પર બેસી ગયા હતા. જ્યાં સુધી ચોરો સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચારી હતી. આ બનાવને પગલે વિરમપુર
પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે લોકો અત્યારે
પોલીસની વાત માનવા તૈયાર નથી અને આંદોલનની વાત પર અડગ છે, ત્યારે હવે રસ્તો ખોલાવવા માટે પોલીસ શું
પગલાં ભરશે તે જોવું રહ્યું.

તંત્ર દ્વારા કાર્યવાહી નહી કરાય તો ઉગ્ર આંદોલન
એક મહિનામાં આ વિસ્તારમાં છ થી સાત પશુઓની ચોરીની ઘટનાઓ બની છે. જે અંગેની જાણ પોલીસને કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતા છેવટે વિરમપુર આજુબાજુના ૨૫ ગામના લોકોએ ભેગા થઈને આંદોલન શરૂ કર્યું છે. હજુ
પણ જો કોઈ કાર્યવાહી હાથ નહી કરાય તો ઉગ્ર આંદોલન કરાશે.
- શંકર માણસા (પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત, અમીરગઢ)

Download Our B K News Today App



Related News