લોકડાઉન છતાં કાંકરેજ તાલુકામાં જિલ્લા બહારથી ૧૧૨૦ લોકો આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-27 12:04:39
  • Views : 698
  • Modified Date : 2020-04-27 12:04:39

રાજ્યના સમગ્ર જિલ્લાઓમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. સરકાર દ્વારા વારંવાર લોકડાઉનનો કડક અમલ કરવાની વાતો કરાઈ રહી છે અને જિલ્લે જિલ્લે
પોલીસની નાકાબંધીના આદેશો અપાયા છે છતાં કાંકરેજ તાલુકામાં ગામે ગામ અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી લોકડાઉન અને જાહેરનામાનો ભંગ કરીને લોકો આવી રહ્યા છે અને સ્થાનિક તંત્રને નાકે દમ લાવી દીધો છે. આવા લોકો સામે તંત્રએ ફક્ત કોરોન્ટાઈનની કાર્યવાહી કરીને સંતોષ માન્યો છે. પરંતુ આવા લોકો કોરોન્ટાઈનનું પાલન કરતા નથી પરિણામે સ્થાનિક લોકો દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવે છે. કાંકરેજના તેરવાડા ગામમાં તા.૨૨-૦૪-૨૦૨૦ ના રોજ ૯ લોકો અમદાવાદથી આવેલ છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા આવા લોકોને શેલ્ટર હોમમાં રાખવા લેખિત માંગ કરાઈ છે. જિલ્લે જિલ્લે નાકાબંધી હતી, તો
કાંકરેજ તાલુકામાં ૧૧૨૦ લોકો કેવી રીતે આવ્યા અને કોની મહેરબાની અને ભલામણથી આવ્યા તે પણ તપાસનો વિષય બની ગયો છે. આવા લોકો સામે પાટણ જિલ્લાની જેમ પોલીસ કાર્યવાહી કેમ ના કરી તેવું તાલુકાની પ્રજામાં ચર્ચાઈ રહ્યુ છે. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો.બ્રિજેશ વ્યાસે જણાવ્યું હતું કે અમો બહારના જિલ્લામાંથી આવતા લોકોને ૧૪ દિવસ કોરોન્ટાઈન કરીએ છીએ અને કોરોન્ટાઈનનો ભંગ કરે તો કાર્યવાહી કરીએ છીએ.
   આ બાબતે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમદાવાદથી લોકો અહી સુધી કેવી રીતે આવે છે. અમદાવાદથી જ પોલીસે અટકાવી દેવા જોઈએ. બહારના જિલ્લામાંથી આવી રીતે આવી ગયેલા લોકો અમારી રાબેતા મુજબની  કામગીરીને અસર કરે છે અમે અપીલ કરીએ છીએ જ્યાં છો ત્યાં જ રહો.

Download Our B K News Today App



Related News