ડીસા તાલુકાના કૂંપટ ગામે લોકમેળો યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-16 11:57:46
  • Views : 450
  • Modified Date : 2020-03-16 11:57:46

બનાસકાંઠામાં શીતળા સાતમ નિમિત્તે લોકમેળો યોજાયો હતો. ડીસા પાસે આવેલા કૂંપટ ગામ ખાતે ભાતીગળ લોકમેળો ભરાયો હતો. જેમાં આજુબાજુ ના ૨૦ થી વધુ ગામોના લોકોએ શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહાતમય છે.  શીતળા સાતમના પર્વની પણ
પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ફાગણ મહિનામાં ઉજવાતા શીતળા સાતમની ઉજવણી મહદ અંશે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં જ થાય છે. આ પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે લોકમેળા પણ યોજાય છે. તદ અનુસાર  ડીસા તાલુકાના  કુપટ ગામમાં બિરાજમાન શીતળા માતાના પ્રાચીન મંદિરે પણ   શીતળા સાતમનો  ભવ્ય ભાતીગળ લોકમેળો ઉત્સાહ અને ભક્તિભાવભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. વર્ષોથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થયા હતા.
આમ તો શીતળા સાતમ વર્ષમાં બે વાર આવે છે. એક શીતળા સાતમ શ્રાવણમાસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે. જ્યારે બીજી શીતળા સાતમ ફાગણ વદ સાતમના દિવસે  ઉજવાય છે. ત્યારે  ફાગણ વદ સાતમના દિવસે ડીસા પંથકમાં શીતળા સાતમ પર્વની ઉજવણી કરાઈ હતી. મારવાડી સમાજમાં ફાગણ માસમાં આવતી શીતળા સાતમનું ખુબ  મહત્વ છે.
ડીસા નજીક આવેલા કુપટ ગામના પ્રાચીન શીતળા  માતાના મંદિરે પણ આજે ભાતીગળ લોકમેળો યોજાયો હતો. ડીસા નજીક જ આવેલા  કુપટ ગામમાં વર્ષોથી યોજાતા શીતળા સાતમના મેળામાં આ વર્ષે પણ  મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્‌યા હતા. આ લોકો મેળામાં ડીસા સહિત આસપાસના ગામના લગભગ ૫૦ હજારથી વધુ ભાવિકોએ ભાગ લઈ શીતળા માતાના દર્શન કરવા સાથે મેળાની પણ મજા માણી હતી. શીતળા માતાના મંદિરે મીઠું ધરાવવાની માન્યતા પણ ખુબ જ પ્રચલિત છે.
વર્ષો પહેલા શીતળા સાતમની ઉજવણી ડીસામાં પણ અનોખા અંદાજમાં થતી હતી. શીતળા સાતમના એક દિવસ અગાઉ આવતા રાંધણ છઠ્ઠના તહેવારના દિવસે લોકો તેમના ઘરમાં રસોઈ બનાવતા અને શીતળા સાતમના દિવસે ચૂલા ઠંડા  રાખી કૂપટના  મેળામાં જતા હતા. મેળામાં પહોંચ્યા બાદ શીતળા સાતમના દર્શન કરીને લોકો પીકનીક સ્વરૂપે વન ભોજનનો આનંદ માણતા હતા. વર્ષોથી યોજાતા આ ભવ્ય લોકમેળાનો મહિમા આજે પણ અકબંધ જળવાઈ રહ્યો છે. કુપટ ખાતે યોજાયેલા શીતળા સાતમના મેળામાં ઉમટી પડેલા ભાવિકો માટે મેળાના આયોજકો અને ગ્રામજનો દ્વારા પણ સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી.

Download Our B K News Today App



Related News