શારીરિક અશક્તતાને પડકાર આપી વૃદ્ધોએ ઉજવ્યું લોકશાહીનું મહાપર્વ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 06:36:19
  • Views : 430
  • Modified Date : 2019-04-24 06:36:19

“હાં, ઉમર સાથે શરીર થોડુ નબળું પડ્‌યુ છે પણ દેશની લોકશાહીને નબળી નહીં પડવા દઉં.” આ શબ્દો છે, ૮૨ વર્ષિય મતદાર મંગળદાસ ઠક્કરના. સિધ્ધપુરમાં રહેતા મંગળદાસ ઠક્કર તેમના પુત્ર સાથે આજે મતદાન માટે આવ્યા હતા. તેઓ જણાવે છે કે લોકસભાની હોય કે વિધાનસભાની મતદાન દરેક ચૂંટણીમાં કર્યું છે.
૦૩-પાટણ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત પાટણ જિલ્લામાં વયોવૃદ્ધ મતદારોએ ભારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ. જિલ્લા મીડિયા ટીમે સિધ્ધપુર વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લીધી અને વૃદ્ધ મતદારોને મતદાન માટેના તેમનો ઉત્સાહ અને જુસ્સો જોયો. ઉનાળાની ખરી ગરમીમાં પણ મોટી સંખ્યામાં મતદાન કરી વૃદ્ધોએ દેશના મહાત્યોહારને હર્ષભેર ઉજવ્યો હતો.
નવાવાસમાં રહેતા ૭૫ વર્ષિય વૃદ્ધ રામચંદ્ર મકવાણાએ સિદ્ધપુરની એલ.એસ.હાઈસ્કુલ ખાતે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું કે હું મારી અડોશ-પડોશના યુવાનોને પણ કહીને આવ્યો છું કે લાખ કામ
પડતા મુકીને પણ મતદાન કરવું જરૂરી છે. સિદ્ધપુરની ર્નસિંગ કોલેજ ખાતે ૮૦ વર્ષિય મણીબેન પ્રજાપતિ શારીરિક અશક્તતાના કારણે વ્હિલચેર
પર મતદાન કરવા આવેલા પણ તેમનો મતદાન માટેનો જુસ્સો અને મતદાન કર્યા બાદનો આનંદ ઉડીને આંખે વળગે એવો હતો. મણીબેન કહે છે કે, મતદાન કરવું મારી ફરજ છે અને જીવતી રહીશ ત્યાં સુધી મતદાન જરૂરથી કરીશ. તેમને મતદાનકેન્દ્ર સુધી પહોંચાડી મત અપાવવા આવેલા તેમની
પડોશના યુવાનો જણાવે છે કે આ ઉંમરે પણ મણીબા ની સંકલ્પશક્તિ જોઈને અમે પણ દરેક ચૂંટણીમાં મતદાન અવશ્ય કરીશું તેવો સંકલ્પ કર્યો છે.
એક વાત તો ચોક્કસ છે, ઉંમરના એક પડાવ પર
પહોંચેલા અને કંઈક દિવાળીઓ જોઈ ચુકેલા આવા વડીલોનો મતદાન માટેનો ઉત્સાહ અને જુસ્સો નવયુવાનોને દેશના આ મહાતહેવારમાં જોડાવાનો અનેરો રાહ ચીંધે છે.

Download Our B K News Today App



Related News