પાણીના માટલાના સિઝનેબલ ધંધાને લોક ડાઉનનું 'ગ્રહણ'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-16 11:48:27
  • Views : 507
  • Modified Date : 2020-04-16 11:48:27

લોકડાઉનમાં ખેતી સાથે
પાણીના માટલા જેવા સિઝનેબલ ગણાતા નાના ધંધા કરતા
પરિવારોની હાલત પણ કફોડી બની જવા પામી છે. તેથી માટી કામ સાથે સંકળાયેલા વાહનોને પણ લોકડાઉનમાં છૂટ આપવાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.
કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે.  જેમાં ખાસ કરીને અર્થતંત્રની જીવાદોરી ગણાતા કૃષિ વ્યવસાયને મરણતોલ ફટકો પડયો છે. તેની સાથે સિઝનેબલ ગણાતા  પાણીના માટલા બનાવવાના માટી કામ સાથે સંકળાયેલા હજારો
પરિવારોને પણ ભૂખે મરવાનો વારો આવે તેમ છે. કારણ શિયાળાની કડકડતી ઠંડીમાં કાળી મજુરીને કરીને પકવેલા ઠંડા
પાણીના માટલાના વેચાણ સમયે જ (ઉનાળાના પ્રારંભે) લોકડાઉનનું ભયાનક ગ્રહણ નડયું છે. બનાવેલા હજારો માટલા વેચાણના અભાવે પડી રહ્યા છે. જેથી આજના ટેકનોલોજીના યુગમાં પણ બાપ દાદાનો વારસો જાળવી રાખનાર અનેક મુસલા - પ્રજાપતિ પરિવારોને ઘર ચલાવવાના ફાંફા પડી રહયા છે. તેમાં પણ લોકડાઉનમાં વધારો આ પરિવારો માટે વજ્રઘાત પુરવાર થઇ રહ્યો છે. આ બાબતે માટીકામના ઝેરડાના કસબી કારીગર સલ્લુભાઈ સુમરાએ જણાવ્યું હતું કે, પાણીના માટલાનો ધંધો ઉનાળાના ચાર મહિના ચાલે છે પણ માટલા બનાવવાની શરૂઆત શિયાળાથી કરી દેવી પડે છે. ઉનાળામાં તેના વેચાણ થકી બાર મહિનાનો રોટલો મળી રહે છે પરંતુ આ વખતે લોકડાઉનના કારણે વેચાણ ન થતા 'નેભાંડો' ચોંટ્યો રહ્યો છે તેથી અનેક પરિવારોની હાલત કફોડી બનવા પામી છે.
બનાસકાંઠા સહિત ગુજરાતમાં કોરોનાનો કોપ ઘીમે ધીમે ઓસરતો જાય છે તેથી સરકાર આગામી ૨૦ મી એપ્રિલે લોકડાઉનમાં છૂટછાટ જાહેર કરે તેવી આશા બંધાઈ છે. જેના કારણે માટી કામ સાથે સંકળાયેલા હજારો પરિવારોના મુરઝાયેલા ચહેરા ચમકી ઉઠ્‌યા છે. ત્યારે સરકાર માટીકામ સાથે સંકળાયેલા નાના વેપારીઓના વાહનોને પણ છૂટછાટ આપી બચાવી લે તેવો જનમત પ્રવર્તે છે.

Download Our B K News Today App



Related News