સાપુતારામાં પેરાગ્લાઈડિંગના ટેન્ડરની નવી પ્રક્રિયા સામે સ્થાનિકોનો વિરોધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-27 08:01:04
  • Views : 75
  • Modified Date : 2023-12-27 08:01:04

સાપુતારામાં ટેન્ડમ હીલ પેરાગ્લાઈડિંગ ફ્લાઇંગનું ટેન્ડર રદ કરવા બાબતે ડાંગ જિલ્લા પેરાગ્લાઈડિંગ એડ્વેન્ચર એસોસિએશન સાપુતારાના પાઈલોટ્સે ડાંગ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં બાર વર્ષથી સ્થાનિક એસોસિએશન દ્વારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે નવી પ્રક્રિયા સામે વિરોધનો સૂર ઉઠ્યો છે.સાપુતારા નોટિફાઈડ કચેરી દ્વારા નવી શરતો સાથે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાના સ્થાનિક યુવાનોની રોજગારી છીનવાઈ જવાનો ભય વ્યક્ત કરી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.સાપુતારામાં પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થતાં સ્થાનિકોને રોજગારી મળતી થઈ હતી. છેલ્લાં 12 વર્ષથી સાપુતારામાં પેરાગ્લાઈડિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ડાંગ પધાર્યા હતા ત્યારે સાપુતારામાં પેરાગ્લાઈડિંગ પ્રવૃત્તિ ચાલી શકે તેવી શક્યતા જણાતાં પેરાગ્લાઈડિંગ માટેની તાલીમ આપવા માટે સરકારમાંથી ગ્રાંટ ફાળવી હતી.તાજેતરમાં સાપુતારા નોટિફાઈડ કચેરી દ્વારા 20 ડિસેમ્બરે પેરાગ્લાઈડિંગ હીલ-ફ્લાઇંગનું ટેન્ડર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડરમાં શરતો અગાઉ કરતા અલગ છે. ટેન્ડરની શરતો જોતાં સ્થાનિકોની રોજગારી છીનવાઈ જવણો ભય વ્યક્ત કરાયો છે.હાલનું ટેન્ડર રદ કરી આજદિન સુધી સાપુતારા ખાતે પેરાગ્લાઈડિંગનું ટેન્ડર જે શરતો મુજબ ચાલી આવ્યું છે તે શરતો મુજબ નવું ટેન્ડર બહાર પાડવા ડાંગ જિલ્લા કલેક્ટરને ડાંગ જિલ્લા પેરાગ્લાઈડિંગ એડ્વેન્ચર એસોસિએશન સાપુતારાના પાઈલોટ્સે લેખિત રજૂઆત કરી છે.જો હાલનું ટેન્ડર રદ કરવામાં નહીં આવે તો સાપુતારાના સ્થાનિક યુવાનોની રોજગારી છીનવાઈ જાય તેમ  ભય વ્યક્ત કરાયો છે. આ ટેન્ડર તારીખ 27 ડિસેમ્બર સુધીમાં રદ નહીં થાય તો સ્થાનિક પાયલોટ અને રોજગારી મેળવતા યુવાનો દ્વારા નોટિફાઇડ કચેરી ખાતે આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે.ટેન્ડમ પેરાગ્લાઈડિંગ હીલ-ફ્લાઇંગ માટે પેરાગ્લાઈડિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ P4, SIV ટ્રેનિંગ તેમજ ટેન્ડમ વર્કશોપ ટ્રેનિંગની સર્ટિફિકેટની લાયકાત હોવી જોઈએ. જ્યારે ટેન્ડરમાં માત્ર P3 બેઝિક સર્ટિફિકેટની માંગણી કરવામાં આવી છે. જે સોલો પાઈલોટ માટેની લાયકાત છે જ્યારે આ ટેન્ડર ટેન્ડમ હિલ ફ્લાઈંગનું હોવાથી P3 લેવલે આવનારા પ્રવાસીઓની સલામતી માટે જોખમરૂપ છે તેવા આક્ષેપ કરાયા છે.

Download Our B K News Today App



Related News