મધ્યપ્રદેશના કોંગ્રેસી નેતાએ વડાપ્રધાન મોદીની હત્યા કરવાનું આહવાન કર્યું

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-13 18:08:27
  • Views : 216
  • Modified Date : 2022-12-13 18:08:27

મધ્ય પ્રદેશના એક કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ મંત્રી રાજા પટેરિયાએ ગત 11 ડિસેમ્બરના રોજ એક વિવાદાસ્પદ ને નફરતયુક્ત નિવેદન કરતાં કહ્યું હતું કે લોકોએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે તૈયાર રહેવું જોઇએ. પોતાના આ નિવેદનનો વીડિયો વાઇરલ થતાં સમગ્ર રાજ્યમાં વિવાદનો વંટોળ સર્જાતા રાજા પટેરિયાએ ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે તેમના દ્વારા કરાયેલા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે બોલવાના ફ્લોમાં ભૂલથી એમ બોલાઇ ગયું હશે. પોતાના આ નિવેદનથી થયેલા વિવાદથી બચવા પટેરિયાએ કહ્યું હતું કે મોદીની હત્યા કરવાના તેમના નિવેદનનો અર્થ એમ હતો કે મોદીને ચૂંટણીમાં કારમો પરાજય આપવાનો હતો.

જો કે તેમનો આ લૂલો બચાવ તેમને વિવાદમાંથી રોકી શક્યો નહોતો, કેમ કે રાજ્યના ગૃહમંત્રી નરોતમ મિશ્રાએ રાજા પટેરિયા વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો આદેશ આપી દીધો હતો અને રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે રાજા પટેરિયા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશીએ પણ રાજા પટેરિયાના આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને તેમની વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની રાજ્ય સરકારને હાકલ કરી હતી.

રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે આ દ્વેષની પરાકાષ્ઠા છે. આ ધૃણાની અતિ છે. કોંગ્રેસની સાચી માનસિકતા છત્તી થઈ ગઈ છે. આવી વાતોને સહન કરવામાં આવશે નહીં. કાયદો તેનું કામ કરશે.

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પટેરિયા સામે એફઆઇઆર નોંધાવવા માટે સૂચના આપી હતી. જે બાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પટેરિયા સામે એક કેસ પન્નાના પવઇ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. જો કે, પટેરિયાએ નિવેદનના વિવાદ બાદ કહ્યું હતું કે તેઓ ગાંધીના અનુયાયી છે અને ગાંધીના અનુયાયી હત્યાની વાત કરી શકે નહીં. વીડિયોનો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

પટેરિયાનું આ નિવેદન 11 ડિસેમ્બરનું છે. તેઓ પન્ના જિલ્લાના મંડલમ ખાતે કાર્યકરો સાથે વાત કરી રહ્યા હતા. તેઓ કહી રહ્યા છે કે મોદી ચૂંટણીને ખતમ કરી દેશે. મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પાડી દેશે. પછાત, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોનું જીવન જોખમમાં છે. જો બંધારણને બચાવવું હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. જોકે ત્યાર પછી તેઓ કહે છે કે હત્યા એટલે કે હાર. હત્યા ઇન ધ સેન્સ... હરાવવા માટે તૈયાર રહો.

Download Our B K News Today App



Related News