વડોદરામાં ફરજ પર હાર્ટ એટેકથી ASIના મૃત્યુ બાદ આજે અંતિમ વિધિ કરાઈ, મૃતક પોલીસકર્મીના ભાઈ SPને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-08 12:34:14
  • Views : 327
  • Modified Date : 2021-01-08 12:34:14

    વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના ASIનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ સમયે મૃતકના ભાઈ જિલ્લા પોલીસ વડા સુધિર દેસાઈને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને પરિવાર હિબકે ચડ્યો હતો.


    વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં સોમનાથનગરમાં રહેતા અને તાલુકા પોલીસ સ્ટેશનનના ASI સુરેશભાઈ.એમ. વાળા(ઉ.54) એક્સપ્રેસ હાઈવે નજીક પેટ્રોલિંગમાં હતા, તે સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી આસપાસના લોકો તુરંત જ દોડી આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી ગયા હતા. PSIને તુરંત જ છાણીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ત્યાર બાદ તેમના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસકર્મીના અચાનક મૃત્યુને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

    વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના ASIની આજે અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ સમયે વડોદરા જિલ્લા પોલીસ વડા સુધિર દેસાઈ પહોંચ્યા હતા. મૃતક પોલીકર્મીના ભાઈ જિલ્લા પોલીસ વડાને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.ASI સુરેશભાઈ વાળાના અવસાન બાદ પોલીસ વિભાગ દ્વારા પોલીસ વેલ્ફેર ફંડમાંથી પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓછા મહેકમના લીધે વધી રહેલા કામના ભારણને કારણે આ ઘટના બની હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.



Download Our B K News Today App



Related News